લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
2178
અમદાવાદ: ગુજરાતના વધતા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ મેફેડ્રોન કેસમાં વધુ બે આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં એટીએસેે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને ત્યાંથી કપીલદેવ છેદીલાલ શર્મા તેમજ રામશંકર ઉર્ફે પંકજ પરશુરામ કોલીની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ આરોપીઓ નશીલા પદાર્થોના મોટા નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પ્રજાપતિએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ આરોપીઓએ અગાઉ પકડાયેલા આરોપી સોહીલ ઉર્ફે ભુરાને આશરે ૩૦૦ ગ્રામ મેફેડ્રોન વેચ્યું હતું. ઉપરાંત, એટીએસની રેડ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ ૫.૯૮૦ કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો તેમજ ડ્રગ્સ બનાવવાના કેમિકલ અને સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ જયેશ યાદવે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કેસમાં અનેક મહત્વપૂર્ણ કડીઓ મેળવવાની બાકી છે. જેમ કે, આ ડ્રગ્સની ડિલિવરી માટે અમદાવાદમાં કોણ આવ્યું હતું, આરોપીઓએ કેમિકલ અને સાધનો કોની પાસેથી મેળવ્યા, અને તેઓ કેટલા સમયથી ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા તે બાબતે તપાસ જરૂરી છે. વધુમાં, આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંકળાયેલા છે, અન્ય ક્યાંય ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો છે કે નહીં, તેમજ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તપાસ એ પણ કરવામાં આવશે કે, ડ્રગ્સના વેપારથી મળેલા નાણાં કઈ રીતે વ્યવહાર કરવામાં આવ્યા અને શું આ રકમથી કોઈ મિલકત ખરીદવામાં આવી છે. આરોપીઓના મોબાઇલ ફોનના સીડીઅઆર મેળવી તેમની સાથે સંપર્કમાં રહેલા શંકાસ્પદ લોકો વિશે પણ પૂછપરછ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એટીએસએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જાેકે કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં ટીમ આ કેસમાં વધુ ખુલાસા મેળવવા માટે આરોપીઓની પૂછપરછ કરી રહી છે