લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1782
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભાને આજે સવારે ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. વિધાનસભાની બેઠક પૂર્વે આ ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરીને વિધાનસભા પરિસરને ખાલી કરાવીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાઇ હતી. જાેકે આ ધમકીભર્યા ઈ-મેઈલ સંદર્ભે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભાને ફરી કાર્યરત કરાઇ હતી અને વિધાનસભાની બેઠક નિયત સમય કરતાં એક કલાક મોડી શરૂ કરવામાં આવી હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને વિધાનસભા પરિસર ફરીથી ધમધમતું થયું હતું. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે ૯ કલાકે વિધાનસભાની બેઠક શરૂ થવાની હતી, પરંતુ વિધાનસભા સચિવાલયના સચિવને વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેથી વિધાનસભાના સચિવ દ્વારા તાત્કાલિક ધોરણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને જાણ કરવામાં આવી હતી. જેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને જાણ કરી હતી. જેથી આ મામલે ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવીએ ડીજીપીને જાણ કરી હતી. જેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ધમકીભર્યા ઈ-મેઈલ બાદ વિધાનસભા પરિસરમાં ઉપસ્થિત મંત્રીઓ, ધારાસભ્યો, મંત્રી કાર્યાલયના કર્મચારીઓ, વિધાનસભાના કર્મચારીઓ સહિતના તમામને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસની કુમક તાત્કાલિક વિધાનસભા પરિસરમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર વિધાનસભા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી. સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓએ વિધાનસભા ભવનના ખૂણેખૂણાની તપાસ કરી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં, તે માટે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. તેથી દરેક પગલું અત્યંત કાળજીપૂર્વક લેવામાં આવ્યું હતું. જાેકે, એક કલાક જેટલા સમયની તપાસ બાદ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ધમકીભર્યા ઈ-મેઈલની ઘટનાને પગલે સવારે ૯ કલાકે મળનારી વિધાનસભાના બજેટ સત્રની બેઠક નિયત સમય કરતાં એક કલાક મોડી શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદની પાંચ સ્કૂલોને પણ ધમકી : શંકાસ્પદ વસ્તુ ન મળી
ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આજે સત્ર શરૂ થાય તે પહેલા જ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઈલને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પાંચ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી આ પ્રકારની ધમકી મળતાં પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં મહારાજા અગ્રસેન અને આનંદ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. ૧૦માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટ અને એલપીજી ટેન્કર્સ પર પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે.