લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026 |
2376
સુરત, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી ભીષણ યુદ્ધને કારણે ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલિયમ પ્રોડકટ્સ તેમજ લિકવીડ નેચરલ ગેસ (એલ.એન.જી.)ની અછત વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. આવી સ્થિતિ વચ્ચે આજે સુરત શહેરમાં કેટલીક રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડર એજન્સીઓએ ઓનલાઇન સીલિન્ડર બુકિંગ બંધ કરીને બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ પેદા કરી હતી. ગેસ એજન્સીઓનાં માલિકોએ મનસ્વી રીતે ઓનલાઇન સીલિન્ડર બુકિંગની વ્યવસ્થા બંધ કરી દેતા ગ્રાહકો દોડતાં થઇ ગયાં હતાં અને ગેસ એજન્સી ખાતે કતારો લગાડી દીધી હતી, જાેતજાેતામાં ગેસ સીલિન્ડર મળવાના નથી તેવી અફવાને કારણે લાખો પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઇરાન વિરૂદ્ધ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ગેસ સપ્લાયની ચેઇન તૂટી જવા પામી છે અને તેને કારણે કેન્દ્ર સરકારે કમર્શિયલ વપરાશ કરતા ગ્રાહકોના ગેસ સીલિન્ડર સપ્લાયમાં નિયંત્રણ મૂકવા તેમજ રેસિડેન્શિયલ ગેસ સીલિન્ડરમાં કોઇપણ પ્રકારનો શોર્ટ સપ્લાય ના થાય તેની તકેદારી રાખવા માટે દરેક જિલ્લા કક્ષાનાં અધિકારીઓને સૂચના આપી હતી. જાે કે શેઠ (કેન્દ્ર સરકાર)ની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ આજે સુરતમાં જાેવા મળ્યો હતો. રેસિડેન્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ કરતી કેટલીક ગેસ એજન્સીઓએ આજે સવારે પોતાની બુકિંગ વ્યવસ્થા કે જે ઓનલાઇન હતી તે બંધ કરી દીધી હતી. જેને કારણે સામાન્ય લોકોમાં એવી અફવાઓનું જાેર વધી ગયું હતું કે હવે ગેસ સીલિન્ડર મળવાના નથી આથી લોકોએ ગેસ સીલિન્ડર મેળવવા માટે જાતે જ ગેસ એજન્સીઓ પર પહોંચી જઇને કતારો લગાડી દીધી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માંડ્યા હતા. લ્લા પુરવઠા અધિકારી એવું કહી રહ્યાં હતાં કે ગેસ સીલિન્ડર વિતરણમાં કોઇ જ તકલીફ નથી અને લોકોને સરળતાથી સીલિન્ડર મળી રહેશે. કોમર્શિયલ ગેસમાં થોડી તકલીફ છે. બીજી તરફ એજન્સીઓએ ગ્રાહકોને ગેસ સિલિન્ડર નહીં આપવા માટે કે.વાય.સી. બાકી છે, ડોક્યુમેન્ટ ઓછા છે વગેરે જેવા બહાના કાઢીને લોકોનાં બુકિંગ લીધા નહીં અને પાછલે બારણે લાગવગીયા ગ્રાહકોને ગેસ સીલિન્ડરોનું વિતરણ કર્યું હોવાની ફરિયાદો લોકોએ કરી હતી. પુરવઠા અધિકારીએ આપેલી માહિતી મુજબ સુરત શહેરમાં ૮.૭૦ લાખ પરિવારોને ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનથી ગેસ પુરવઠો મળી રહ્યો છે. એલપીજીનાં ૭.૦૧ લાખ ગ્રાહકો છે અને જિલ્લામાં ૫૫ એજન્સીઓ છે, સુરત જિલ્લામાં ૭૫ હજાર ગ્રાહકો છે. ગેસ એજન્સીઓ ઉપર મોનિટરિંગ કરવા ૨૧ ટીમો બનાવી છે. એક અંદાજ મુજબ ૮૫ લાખની વસતી ધરાવતા સુરત શહેરમાં પરિવારોની સંખ્યા ૧૯ લાખ જેટલી છે, જેની સામે ૬૦ ટકા વસતી ગેસ સીલિન્ડર પર આધારિત હોવાનું મનાઇ રહ્યું છે. જાે તંત્ર ગેસ એજન્સીઓનાં વહિવટ પર સીધી દેખરેખ નહીં રાખે અગર તો આખ આડા કાન કરશે તો આગામી દિવસોમાં ગેસ સીલિન્ડરના મુદ્દે શહેરમાં ધમાલ મચી જાય તો નવાઇ નહીં હોય.