શહેરની શાળાઓને તકેદારી રાખવા સૂચના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026  |   2673

અમદાવાદ, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ ૧૬ માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જાે કે અત્યારે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જેથી, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે, પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે. તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવાની અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે-સાથે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જાેકે, હવે બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં ભરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કારણ કે, ધોરણ-૧૦ની પરીક્ષા બપોરે ૧ વાગ્યે પૂર્ણ થતી હોય છે અને ધોરણ ૧૨ની પરીક્ષા ૩ વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે આ સમયમાં જ ગરમીનો પારો સૌથી વધુ રહેતો હોય છે. જેથી, અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ, હવે વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી ગરમીના આકરા પ્રકોપ વચ્ચે અસહ્ય તાપમાં વિદ્યાર્થીઓને ઊભા નહી રહેવું પડે તેમજ આરોગ્ય વિભાગની ટીમ રાખવામાં આવશે જેના કારણે કોઈ વિદ્યાર્થી બીમાર થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. બપોરના સમયમાં તાપમાન ઊંચું રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને ગરમીથી બીમાર થાય એવી શક્યતા રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા સેન્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાય અને તેમને છાંયડામાં બેસાડવામાં આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution