સારોલીનાં વેપારી પાસેથી કાપડ ખરીદ્યા બાદ કોલકાતાનાં દુકાનદારનું રૂ. ૧૬ લાખનું ફ્રોડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3267

સુરત, સારાલીની શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતાં રાજસ્થાની વેપારી પાસેથી કાપડ ખરીદીમાં કોલકાતાનાં દુકાનદારે ૧૬.૨૧ લાખનું ચીટિંગ કર્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેસુ ભરથાણાના રામેશ્વર પેલેસમાં રહેતા નવરતન તુલસીરામ બૈદ કાપડનો ધંધો કરે છે. રાજસ્થાનનાં ચુરુ જિલ્લાના વતની નવરતન બૈજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી જય અંબે ટેક્સ્ટાઈલ નામથી પેઢી ધરાવે છે. તેઓ અલગ અલગ રાજ્યોનાં વેપારીઓ સાથે દલાલ હસ્તક વેપાર કરતાં આવ્યા છે. દને માર્કેટમાં દલાલીનું કામ કરતાં અને હમ વતની નિરંજન રાઠી સાથે વ્યક્તિગત પરિચય અને ધંધાકીય સંબંધ હતાં. ઓક્ટોબર ૨૦૨૧માં નિરંજન રાઠી બૈદની દુકાને ગયા અને કહ્યું હતું કે, કોલકોત્તાના મોટા વેપારીઓ મારા હસ્તક કાપડની ખરીદી કરે છે. તમે મારા હસ્તક તેમની સાથે વેપાર કરશો તો સારો નફો મળશે, એ વેપારીઓ પાસેથી પેમેન્ટની જવાબદાર મારી રહેશે. જુના સંબંધ હોવાથી દલાલ નિરંજન રાઠીની વાતમાં ભરોસો મૂકી બૈદ ધંધા માટે તૈયાર થયા હતાં. બાદમાં નિરંજને કોલકાતામાં રિદ્ધિ સિદ્ધિ ટેક્સ્ટાઇલ નામથી ધંધો કરતાં વિજય અગ્રવાલ સાથે બૈદને વાત કરાવી હતી. પમેન્ટનો ભરોસો મળતાં નિરંજનની એક ટકો દલાલી નક્કી કરી નવરતને તેના કહેવા અનુસાર માલ મોકલવા માંડ્યો હતો. વિજય અગ્રવાલને ૩૦ નવેમ્બર ૨૦૨૧ થઈ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાંકુલ ૨,૨૧,૦૦,૪૯૭ કિંમતનું નેટિંગ કાપડ મોકલવામાં આવ્યું હતું. જેમા અગ્રવાલે ૨,૦૪,૭૯,૫૦૫ રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું હતું, જ્યારે બાકીનાં ૧૬, ૨૦,૯૯૨ રૂપિયા મુદ્દા વાયદાનો વેપાર કરાયો હતો. અનેક વખત ઉઘરાણી છતાં ન તો વેપારીએ પેમેન્ટ કર્યું કે ના દલાલે કરાવ્યું. જેથી નવરતને આ બંને સામે સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution