લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
1980
ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી)ને લાગુ કરવા માટે વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં યુસીસી વિધેયક લાવવાનો માર્ગ મોકળો બન્યો છે. ગઇકાલે યુસીસી સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયા બાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી)ને અમલી કરવા માટેની મંજૂરી આપી દેવામાં છે. રાજ્ય મંત્રીમંડળની બહાલી મળતા હવે આગામી તા. ૨૫ માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં યુસીસી વિધેયકને રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમાન નાગરિક સંહિતા (યુસીસી) માટેની સમિતિએ ઝીણવટપૂર્ણ અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટે ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ માટે ગુજરાત સરકાર દ્વારા તા. ૪ ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં યુસીસી સમિતિની રચના કરાઇ હતી. આ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તેમની અંતિમ ભલામણો સાથેનો આખરી અહેવાલ તૈયાર કરાયો હતો. આ આખરી અહેવાલને યુસીસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઇ અને સમિતિના સભ્યોએ ગઇકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને સમિતિ દ્વારા તૈયાર કરાયેલા યુસીસી અંગેના આખરી અહેવાલને મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ યુસીસીવિધેયકને આગામી તા. ૨૫ માર્ચના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.