એથર કંપનીનાં જીવતાં જ્વાળામુખી જેવાં સોલવન્ટનાં પીપ ભરેલાં પાંચ માળનાં વેરહાઉસમાં ૪૦થી વધુ ધડાકા સાથે આગથી દોડધામ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026  |   2970

સુરત,  શહેરના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલા એથર કંપનીનાં પાંચમજલી વેરહાઉસમાં બપોરે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગમાં સોલવન્ટ-કેમિકલ ભરેલા ડ્રમ આગની ઝપેટમાં આવી જતા એક પછી એક એમ કુલ ૪૦થી વધુ બ્લાસ્ટ થયા હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. શરૂઆતના તબક્કામાં કંપનીના ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી પરંતુ આગ કાબુ બહાર નીકળી જતા ના છૂટકે સુરત ફાયરબ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગ્રેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મોડીસાંજે પણ આગ કાબુમાં આવી ન હતી. સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝ વિવાદનું પર્યાય બની ગઇ છે. કાયદાને ઘોળીને પી જનારા એથર કંપનીના સંચાલકો અગાઉ લાગેલી ભીષણ આગમાંથી પણ હજુ સુધી કંઈ શીખ્યા નથી. અગાઉ તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ સચીન જીઆઈડીસીમાં આવેલ એથર ઇન્ડ્રસ્ટીઝમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નિર્દોષ કુલ ૧૧ લોકોનો ભોગ લેવાયો હતો. પોલીસે આ સમગ્ર કેસમાં કંપનીના સંચાલકો સામે સાપરાધ મનુષ્ય વદ્યનો ગુનો નોંધવાના બદલે પોલીસ જ તેના ખોળામાં બેસી ગઈ હતી. જાે કે આ ઘટનામાં પણ સંચાલકોની બેદરકારી સામે આવી હતી. જયારે આજની ઘટનામાં પણ ફાયરબ્રિગ્રેડ વિભાગને તાત્કાલિક જાણ કરવાના બદલે એક કલાક કરતા વધુ સમય બાદ જાણ કરવાની બેદરકારી દાખવવામાં આવી છે. શહેરના સચીન હોજીવાલા વિસ્તારમાં આવેલ એથર કંપનીના વેરહાઉસમાં બપોરે ૧૨ વાગ્યા પહેલા આગ લાગી હતી. શરૂઆતના તબક્કામાં કંપનીનાં જવાનોએ જ આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. આ દરમિયાન આગ વધુ ભીષણ બની ગઈ હતી અને કેમિકલ ભરેલા સંખ્યાબંધ ડ્રમ સુધી પહોંચી ગઈ હતી. જેને કારણે એક પછી એક કેમિકલનાં ડ્રમ આગની ઝપેટમાં આવતા બ્લાસ્ટ થયાં હતાં. માત્ર એકથી દોઢ કલાકની અંદર જ ૪૦ થી વધુ ડ્રમ બ્લાસ્ટ થતા આગ કાબુ બહાર બની ગઈ હતી. જેના કારણે એથર કંપનીનાં સંચાલકોએ નાં છૂટકે સુરત ફાયર બ્રિગ્રેડ વિભાગને જાણ કરવાની ફરજ પડી હતી.

બપોરે ૧.૦૭ કલાકે ફાયર બ્રિગેડ વિભાગને કોલ મળતાં જ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનથી ટીમ રવાના કરવામાં આવી હતી. બાદમાં આગ વધુ ભીષણ હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ભેસ્તાન, ઉધના, માન દરવાજા, મજુરા, ડીંડોલી, અડાજણ, કતારગામ, કામરેજ સહિતની કુલ આઠ ફાયર સ્ટેશનથી ૧૫ જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરના ફાયર બ્રિગેડ વિભાગના તમામ ડિવિઝનલ અધિકારીઓને પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ સતત પાણીનો મારો ચાલુ કરી આગને કાબુમાં લેવાની કોશિષ કરી હતી. જાે કે એથર કંપનીના વેરહાઉસમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. મોડી સાંજ સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં આ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. જેથી હાલમાં પણ આગને કાબુમાં લેવાની તજવીજ ચાલુ રાખવામાં આવી છે. પાંચ માળનાં વેરહાઉસમાં સોલવન્ટ જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેની તપાસ જરૂરી છે.

કાયદાને ખીસ્સામાં રાખતાં કંપની માલિકોએ વેરહાઉસ ઉપર ગેરકાયદે ડોમ બનાવી દીધો

તક્ષશિલા આર્કેડની આગ પછી શહેરી વિસ્તારમાં બિલ્ડિંગો ઉપર બંધાઇ ગયેલાં ગેરકાયદે ડોમ તોડી પાડવાની ઝૂંબેશ મહાનગર પાલિકા દ્વારા ઉપાડવામાં આવી હતી. સમય જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઢીલાં પડતાં ધીમે ધીમે ગેરકાયદે ડોમ બનાવવાની પ્રવૃત્તિ ફરી ફૂલી ફાલી છે. એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં સચિન હોજીવાલા એસ્ટેટમાં આવેલાં વેરહાઉસ ખાતે પણ પતરાનો ગેરકાયદે ડોમ બનાવી ચારે બાજુથી પેક કરી દેવામાં આવ્યો હોવાનું જણાયું છે. જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવા છતાં પતરાનાં ડોમથી ટેરેસ પેક કરી દેતાં ફાયરબ્રિગેડનાં જવાનોને પાણીનો મારો કરવામાં પણ મુશ્કેલી પડી હતી. વેરહાઉસ ઉપરાંત આસપાસ આવેલી મોટાભાગની ઇમારતો ઉપર ગેરકાયદે ડોમ બનાવાયા હોવાનું દેખાઇ આવ્યું હતું.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાથે મિલ માલિક દ્વારા ઝપાઝપી

એથર કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે આગ વધુ વિકરાળ બની બાજુની કંપનીમાં પણ પ્રસરી જતાં બાજુની કંપનીમાં આગ લાગી હતી તેનો માલિક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પ્રકાશ હેડવ પાસે આવ્યો હતો અને તમે લોકો જાણી જાેઈને આગને કાબુમાં લેતા નથી તેમ કહી ઝપાઝપી કરી હતી. જેથી અન્ય ડીવીઝનલ અધિકારી તથા ફાયર ઓફિસરોએ દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.

બાજુની મિલમાં બે માળનું સ્ટ્રક્ચર ધરાશાયી

એથર કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. એથરના વેરહાઉસની બાજુમાં જ આવેલ એક મિલ પણ આગ પ્રસરી ગઈ હતી અને કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થવાના કારણે મીલનું બે માળનું આખું સ્ટ્રક્ચર તૂટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution