સુરત,

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયના મહાનગરોમાં દિવસેને દિવસે કોરોનાની પકડ મજબુત બની રહી છે.  અમદાવાદ પછી સુરતમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે.ત્યારે સુરતમાં એક જ દિવસમાં 30થી વધુ રત્નકલાકોરોને કોરોનાનો ચેપ લાગતાં હીરા ઉદ્યોગ ચિંતામાં પડી ગયો છે. છેલ્લા 21 દિવસમાં સુરતમાં 250થી વધુ રત્નકલાકારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હીરા ઉદ્યોગ પર કોરોનાના કહેરને લઈને તંત્ર દ્વારા ડાઈમંડ એસોસીએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં  હીરા બજાર શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ નિર્ણયને કારણે સુરતની મીની બજાર,ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર શનિવારે અને રવિવારે બંધ રહેશે. કોરોના સંક્રમણ ન વધે તે માટે સુરત ડાયમન્ડ એસોસિએશને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હજારો કારીગરોને અસર થશે. બેઠકમાં સુરતના મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું હતું કે, સુરત ડાયમંડ એસોસિએશન તરફથી સારો સહકાર મળ્યો છે. કોઈપણ ડાયમંડ યુનિટમાં કોરોના પોઝિટિવ આવે તો ડાયમંડનો સેક્શન બંધ કરાશે. એકથી વધુ કોરોના પોઝિટિવ આવે તો સ્વયંભૂ યુનિટ બંધ કરાશે.