અમદાવાદ,તા.૧૮

ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારું હોવાના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે જગતનો તાત ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશના ખેડૂતોએ પ્રિ-મોન્સૂનમાં સારો વરસાદ પડતા જ વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે. બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ ૧૨૭.૧૬ મીટરે પહોંચી ગઈ છે. જેથી ખેડૂતોને સિંચાઈના કે પીવાના પાણીના કોઈ પ્રશ્નો હાલ દેખાઈ રહ્યા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતા ૧૨૦૦ મેગાવોટનાં તમામ ૬ યુનિટ શરૂ કરાયા છે. જેથી રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે.

ગોરાનો જૂનો ડૂબાડૂબ પુલ ડૂબી ગયો છે. કેનાલ હેડ પાવર હાઉસના પણ બે યુનિટ શરૂ કરતા કુલ ૨૭૩૨૬ મેગાવોટનું વીજ ઉત્પાદન થયું છે. લાઈવ સ્ટોરેજ ૨૫૭૧ મિલીયન કયુબીક મીટર જમા થયો છે. મુખ્ય કેનાલમાં ૧૦૯૦૭ કયુસેક પાણી છોડાય રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટરે જણાવ્યું હતુ કે, નર્મદા બંધની જળ સપાટી આજે તા. ૧૭ મી જુન, ૨૦૨૦ ના રોજ સવારે ૧૨૭.૪૬ મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમ ની આસપાસ છે.

પાણીના દ્રષ્ટીનું વર્ષ ૩૦ જુને પુર્ણ થાય અને ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮, ૬૦૦ ક્્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોચાડવામાં આવી રહ્યું છે. ઈન્ડિયન મેટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરવામાં આવેલ છે આમ, આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે. પાણીની કુલ સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) પાણીનો સંગ્રહ ૯,૪૬૦ મિલિયન કયુબીક મીટર થશે.