ગાંધીનગર :

રાજ્યમાં તા. ૧૫ જૂન સુધીમાં ૯૫.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૧૧.૪૬% છે. રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમિ દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. અન્ય તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૨૩૨ મીમી સુધી નોંધાયો છે.

IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૧૩.૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 15 જૂન સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૨.૦૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૬.૪૨% વાવેતર થયુ છે.

ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારું હોવાના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે જગતનો તાત ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશના ખેડૂતોએ પ્રિ-મોન્સૂનમાં સારો વરસાદ પડતા જ વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે. બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ ૧૨૭.૧૬ મીટરે પહોંચી ગઈ છે. જેથી ખેડૂતોને સિંચાઈના કે પીવાના પાણીના કોઈ પ્રશ્નો હાલ દેખાઈ રહ્યા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતા ૧૨૦૦ મેગાવોટનાં તમામ ૬ યુનિટ શરૂ કરાયા છે. જેથી રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે.