દ્વારકા,

કથાકાર મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અંગે એક કથામાં વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકોમાં મોરારિબાપુ સામે રોષ ફાટી નિકળ્યો હતો. જોકે આ ઘટના બાદ આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે આથી મોરારિબાપુ ગુરૂવારના રોજ દ્વારિકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.  

ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તેમને બચાવી લેવાયા હતા. મહત્વનું છે કે, સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. તે  સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા. 

ઉલ્લેખનીય છે કે,સોશિયલ મીડિયા પર મોરારી બાપુની કથાનો ભગવાન શ્રીકૃષ્ણ અંગે આપત્તિજનક ટિપ્પણી કરતો વીડિયો વાયરલ થતાં કાન્હા વિચાર મંચ દ્વારા મોરારી બાપુ માફી માંગે તેવી માગણી કરવામાં આવી હતી. જેને લઇને મોરારી બાપુએ સોશિયલ મીડિયામાં એક વખત માફી માંગી હતી પરંતુ ત્યારબાદ ફરી કાન્હા વિચાર મંચ દ્વારા વ્યક્તિગત માફી નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાના જગતમંદિર ખાતે આવી ભગવાન દ્વારકાધીશની માફી મોરારી બાપુ માગે તેવી માગણી કરવામાં આવી હતી.