પાટણ,તા.૧૮ 

પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જાવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાટણ જિલ્લાની સ્થતિ જોતા ટુંક સમયમાં બનાસકાંઠા જિલ્લાને કોરોનાના કેસોમાં પીછો છોડી મુકે તો નવાઈ નહિ. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે વધુ એક સાથે પાંચ કેસ સામે આવ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી પાટણ શહેરમાં જ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપી વધી રહ્યો છે. જેને લઈ શહેરમાં પોઝિટિવ આંક ૫૩ પર પહોંચી ગયો છે. પાટણ શહેરમાં ૩ કેસ જ્યારે ચડાસણા ગામમાં એક કેસ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૧૨૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં પોઝિટિવ આવેલ ૬૫ વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા પાટણ શહેરમાં ૮ મોત જ્યારે જિલ્લામાં કુલ ૧૨ લોકોને કોરોના ભરખી ગયો છે. જેને લઈ શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ પાટણ શહેરમાં જાવા મળી રહ્યો છે. શહેરમાં દિનપ્રતિદિન સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પ્રતિદિન શહેરમાં કોરોનાના ત્રણ ત્રણ કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું કે હવે દેશમાં લોકડાઉન કરવામાં આવશે નહિ. જેને કારણે અફવાથી દૂર રહેવાનું જણાવ્યું હતું. જેની વચ્ચે જિલ્લામાં બુધવારે ચાર પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. પાટણ શહેરમાં બંસી કાઠિયાવાડી, ઉપવન બંગલોઝમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીને ખાંસી અને ગળામાં દુઃખાવો સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું.

જ્યારે અંબાજી નેળિયુ પાસેના યશવિહારમાં રહેતા ૩૨ વર્ષીય પુરુષને ખાંસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું તો પાટણ તાલુકાના ચડાસણા ગામના રબારી વાસમાં રહેતા ૪૫ વર્ષીય પુરુષને શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના સભ્યોના સેમ્પલ લઈ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા અને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ખાનસરોવર રોડ પર આવેલ આનંદનગર સોસાયટીની ૬૫ વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા ધારપુર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જાકે પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ગણતરીના જ કલાકોમાં ૬૫ વર્ષીય વૃધ્ધ મહિલાનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. જેને લઈ પાટણ શહેરમાં કોરોના વધુ એક દર્દીને ભરખી જતા અત્યાર સુધી શહેરમાં કુલ ૮ લોકો મોતને ભેટયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૨ લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.