રાજકોટ,

કોરોનાનું સંક્રમણ હવે સ્થાનિક સ્તરે વધી રહ્યું છે. લોકોની સાવચેતીના અભાવે અને બહારના જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોના કારણે કોરોનાના કેસમાં દિન-પ્રતિદીન વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને બે દિવસમાં કોરોનાના કેસ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ઝડપથી વધતા કુલ ૫૯ પોઝિટિવ કેસ અને ૧ વૃધ્ધાનું મોત નિપજ્યાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો સુપર સ્પ્રેડર બનતા બે દિવસમાં ૧૪ કેસ નોંધાયા છે. જયારે જૂનાગઢમાં ૧૨, કચ્છમાં ૧૦, અમરેલીમાં ૧૦, ગીર સોમનાથ જિલ્લામાં ૪, જામકંડોરણા તાલુકામાં ૪, જેતપુરમાં ૨ અને દ્વારકા જિલ્લામાં બે કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનું આરોગ્ય તંત્ર ઉંધા માથે લાગ્યું છે. કેટલાંક વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી સેનિટાઇઝર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.