ગાંધીનગર,

ગુજરાતમાં કોરોના સંક્રમણનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ પણ જીવલેણ વાઈરસનો ભોગ બની રહ્યાં છે. આવા સમયે ગુજરાત પોલીસના કર્મચારીઓને કોરોનાના સંક્રમણથી રક્ષણ આપવા માટે આપવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર હલકી ગુણવત્તાનુ નીકળતા મોટો સવાલ ઉભો થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યમાં હાલના કોરોના પ્રકોપને જાતા પોલીસના જવાનો સંક્રમિત ના થાય, એ માટે નીરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર વાપરવા માટે આપવામાં આવ્યા હતા. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવેલા હેન્ડ સેનેટાઈઝર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબ ટેસ્ટીંગમાં ફેલ થયા છે. કોરોનાથી બચવા માટે નિરવ હેલ્થ કેર નામની કંપનીના હેન્ડ સેનેટાઈઝર રાજ્યના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. 

હવે આ સેનેટાઈઝરનું ટેસ્ટીંગ કરવામાં આવતા તે ગુણવત્તાસભર ના હોવાનું સામે આવ્યું છે. જેના પગલે રાજ્યના પોલીસ વડાએ પોપીસ કર્મચારીઓને આ સેનેટાઈઝરનો ઉપયોગ ના કરવા માટેનો આદેશ આપ્યો છે. આ સિવાય આ પ્રકારના અન્ય કોઈ સેનેટાઈઝર હોય, તો તેની પણ માહિતી માંગવામાં આવી છે. જીએમએસસીએલ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કોર્પોરેશન ખરીદી કરતું હોય છે.

જેમાં માસ્ક, સેનેટાઈઝર અને દવાઓ સહિતની સામગ્રીઓ કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવે છે. જે પૈકી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સેનેટાઈઝરના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૫ નમૂના ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે. જાકે તેનું લેબ પરીક્ષણ કરતા સેનેટાઈઝર યોગ્ય ગુણવત્તાસભર નહીં હોવાનું સામે આવ્યું છે જેના પગલે રાજ્યના તમામ પોલીસ વડા તમામ પોલીસ કમિશનર તમામ રેન્જવડા સહિત રાજ્યની તમામ અનામત પોલીસ દળના જવાનો આ હેન્ડસેનેટાઈઝર નો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવામાં આવી છે.