અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરથી સુરત, વલસાડ, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી જેવા જીલ્લાઓમાં મહેર શરુ થઈ હતી અને હળવો-ભારે વરસાદ થવાના અહેવાલ છે.

સુરતના માંગરોળ તથા ચોર્યાસી અને વલસાડના વાપીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતા. નર્મદાના નાંદોડમાં એક ઈંચ વરસાદ હતો. ગીર સોમનાથના તલાલા, અમરેલીના રાજુલા, નવસારી તથા ચીખલીમાં અર્ધો ઈંચ વરસાદ હતો. ખંભાળીયા, મેંદરડા, જેસર, મહુવા, વંથલી જેવા ભાગોમાં પણ હળવા ઝાપટા જોવા મળ્યા હતા.

વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જ્યારે રાજકોટ અને અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.