કચ્છ,

વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ની દુનિયાભરના દેશોને અસર થઇ છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ બંધ થઇ જતાં દુનિયાભરમાં પ્રવાસીઓ, કામ માટે ગયેલા લોકો, કર્મચારીઓ જેતે દેશોમાં ફસાયા છે. યુએઇમાં પણ હજારો ભારતીયો અને ગુજરાતી ફસાયા છે. વંદે ભારત મિશન હેઠળ ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીઓને દેશમાં પરત લાવવાની શરૂઆત કરી છે. આ વચ્ચે યુએઇમાં ફસાયેલા કચ્છી સહિતના ગુજરાતીઓને દેશમાં પરત લાવવા મુળ કચ્છના ચોબારીના અને દુબઇમાં સ્થાયી થયેલા વેપારી અને તેઓની ટીમે મહેનત કરી રહી છે. અત્યાર સુધી ૩૭૫ પ્રવાસીઓને ખાસ ચાર્ટર પ્લેન વડે અમદાવાદ મોકલી દેવાયા છે. વધારે લોકોને વતન મોકલવા મહેનત ચાલુ છે.અંદાજે એકાદ હજાર ગુજરાતીઓ હજુ પણ દુબઇમાં વતનમાં પરત જવાની રાહ જાઇ રહ્યા છે. આ અંગે મુળ કચ્છના ચોબારીના અને છેલ્લા ૧૬ વર્ષથી યુએઇ અને ઓમાનમાં ગાર્મેન્ટના શોરૂમ ધરાવતા ભરતભાઇ જાષીએ જણાવ્યું હતું કે, અહીં મોટી સંખ્યામાં ભારતના નાગરિકો ફસાયા છે. વંદેભારત મિશન હેઠળ હવાઇ સેવા શરૂ થઇ છે. પરંતુ તેમાં ગુજરાત માટે પુરતી ફ્લાઇટ નથી.

દક્ષિણ ભારતની વધારે ફ્લાઇટ છે. જેના પગલે ૧ પ્રાઇવેટ ચાર્ટર પ્લેન વડે ૧૭૫ ગુજરાતીઓને અમદાવાદ મોકલાયા હતાં. અન્ય બે પ્લેન મોકલાવ્યા. તમામ લોકો દેશમાં પરત જવા લાંબા સમયથી પરેશાન હતાં. યુએઇમાં ભારતીય દુતાવાસ પાસે પણ મદદ માંગવામાં આવી હતી. પરંતુ હજારોની સંખ્યામાં ભારતીય ફસાયા હોવાથી તાત્કાલિક મદદ મળવી હાલ મુશ્કેલ હતી. જેના પગલે આ તમામ લોકો માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ લોકો પાસે રૂપિયા મેળવી તાત્કાલિક એવીએશન કંપનીને આપવા પડ્યા હતાં. મુસાફરોની યાદી સહિતની પ્રક્રિયા પણ સેવાભાવી યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. હાલ પણ કેટલાક કચ્છી લોકોની સાથે મોટી સંખ્યામાં ગુજરાતીઓ દુબઇમાં ફસાયેલા છે. જેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેઓને પણ ભારત મોકલવા તૈયારીઓ શરૂ કરાઇ છે. ભરતભાઇએ જણાવ્યું હતું કે અહીં અનેક ગુજરાતીઓની નોકરી ચાલી ગઇ છે. કોઇ પોતાના સંબંધીઓને મળવા આવ્યું હતું, તો કોઇ ફરવા આવ્યું હતું. અનેક લોકો પાસે પૈસા ખતમ થઇ ગયાં છે. આવા લોકો માટે અહીં રહેવા અને જમવા સહિતની વ્યવસ્થા કરાઇ છે. રવાના કરાયેલી પ્રથમ ફ્લાઇટમાં કેટલાક પ્રવાસીઓની ટિકીટના પૈસા પણ તેઓ તથા અન્ય સાથીદારીઓ ભોગવ્યા હતાં.