ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં રાજકીય ગરમીનો માહોલ છે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો ખાલી પડેલી છે. નિયમ મુજબ આગામી ત્રણેક મહિનામાં ગુજરાતમાં આ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી કરવી જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કમ સે કમ આંઠ બેઠકોની તો આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજવી જ પડે તેમ છે. ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે પણ અત્યારે કોરોનાના ખતરાને કારણે પ્રચાર કરવો યોગ્ય છે કે કેમ એ સવાલ છે. આ કારણે કેન્દ્રી ચૂંટણી પંચ પાસે મામલો ગયો છે અને આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ જ લેશે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે જ માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ગત ૧૫ અને ૧૬ માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, , ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

જા સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજવી હોય તો જુલાઈના અંત અથવા ઓગષ્ટની શરૂઆતમાં જ તેની જાહેરાત થઇ જાય એ જાતાં ગુજરાતમાં ચૂંટણીનાં પડઘણ વાગવા માંડ્યાં છે.