ગાંધીનગર: 

કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચૂકેલા ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ખાતે પૂર્વ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણીની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવો ધારણ કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણી પહેલાં માર્ચમાં 5 અને જૂનમાં 3 ધારાસભ્યો સહિત 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને પૂર્વ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પોતાના નેતાને સાચવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, માત્ર ભાજપ પર આરોપ લગાવવા હોય તો ગુજરાત કોંગ્રેસે દુકાન બંધ કરી દેવી જોઈએ. તેમણે કહ્યુ કે, પાંચ-પાંચ વાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે.