કચ્છ,

    ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌની નજીકમાં આવેલા ટાપુઓ પર તા. 17, 21 અને 22 જૂન 2020ના રોજ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન શંકાના આધારે 04, 34 અને 50 પેકેટ જપ્ત કર્યાં હતા. આ તમામ પેકેટમાં રહેલી સામગ્રીનું ડ્રગ તપાસ કીટ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તેમાં ચરસનો જથ્થો હોવાની પુષ્ટિ થઇ હતી. પ્રતિકૂળ આબોહવાની સ્થિતિ હોવા છતાં પણ, હોવરક્રાફ્ટ અને લેન્ડિંગ પાર્ટીના કેપ્ટન તરીકે બહાદુર મહિલા ઓફિસર સાથેની ટીમે જખૌ નજીક આવેલા ટાપુઓ પર સર્ચ ઓપરેશન માટે તેમની રબર બોટ્સ હંકારી હતી.

આ ટીમને અંદાજે રૂપિયા 1.32 કરોડની બજાર કિંમત ના ચરસના 88 પેકેટનો જથ્થો જપ્ત કરવામાં ખૂબ મોટી સફળતા મળી છે. આ સર્ચ ઓપરેશન જિલ્લા હેડક્વાર્ટર -15 (ઓખા)ની દેખરેખ હેઠળ જખૌના સ્ટેશન કમાન્ડર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલો 88 પેકેટ ચરસનો જથ્થો દરિયાઇ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સંદર્ભે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયાકાંઠાની ચુસ્ત સુરક્ષા માટે તાજેતરમાં જ જખૌ ખાતે હોવરક્રાફ્ટ સ્ક્વૉડ્રન તૈનાત કરી છે અને તેના ખૂબ સારા પરિણામો મળી રહ્યાં છે.