સુરત-

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસે કાળોકેર વર્તાવ્યો છે. જેના પગલે હીરાના યુનિટો બંધ કરવાની ફરજ પડી છે. લાકડાઉનમાં સૌથી વધારે માર પરપ્રાંતીય મજૂરો અને ત્યારબાદ રત્નકલાકારોને પડ્યો છે. લાકડાઉનને પગલે બેકાર બનેલા અનેક રત્નકલાકારોએ શાકભાજીથી લઈને અન્ય ધંધા કર્યાં હતાં. બીજી તરફ લાકડાઉનને પગલે ધંધા રોજગાર બંધ થતાં આવક બંધ થઈ હતી. જેના પગલે અમુક લોકો ગુનાખોરો તરફ પણ વળી ગયા હતા. છેલ્લા ચાર મહિનાથી કામ નહીં મળતા ખાવાના ફાંફાં પડી જતાં કાપોદ્રામાં એક રત્નકલાકારે જુગારધામ શરૂ કરી દીધું હતું. જાકે, ગુનાખોરીમાં પણ નસીબે સાથ ન આપતા પોલીસ ત્રાટકી હતી અને ૧૧ જુગારીઓને પકડી લીધા હતા. પોલીસે જુગારધામ ચલાવતા રત્નકલાકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

કાપોદ્રા વીરતારમાં આવેલા મોહનનગરની પાછળ કિષ્નાનગર બ્રહ્માણી કૃપા મકાન નં.૧૪ના ચોથા માળે રૂમમાં રહેતા જીગરભાઇ વિનુભાઇ પટેલે પોતાના ઘરમાં જ મજબૂરીને લઈને જુગારધામ શરૂ કર્યું હતું. અહીંયા જુગારધામ ચાલતું હોવાની ફરિયાદ મળતા મોડી રાત્રે કાપોદ્રા પોલીસે દરોડા પાડ્યા હતા. આ જગ્યા પર જુગાર રમતા ૧૧ લોકોને પોલીસે દરોડા પાડીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારના રોકડા ૫૨ હજાર રૂપિયા પણ કબજે કર્યા હતા. પોલીસે જુગારધામ ચલાવતા યુવકની ધરપકડ કરીને વધારે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે તે રત્નકલાકર છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાથી જુગારધામ શરૂ કર્યું હતું. આવું સાંભળીને શરૂઆતમાં તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવહી કરી છે.