વડોદરા,

વડોદરા શહેર આસપાસના સાત ગામોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવાનો નિર્ણય રાજ્ય સરકારે ૧૭મી જૂનના રોજ કર્યો છે. આ નિર્ણય સામે સાત પૈકીના ચાર ગામોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયેલા ગામો ભાયલી, બિલ, સેવાસી અને કરોડિયાની ગ્રામ પંચાયતોની હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આ કેસમાં હવે સુનાવણી ૨૬મી જૂનના રોજ હાથ ધરાશે. નોંધનીય છે કે, સરકારના અર્બન હાઉસિંગ એન્ડ અર્બલ ડેવલપમેન્ટ વિભાગે વડોદરા આસપાસના સાત ગામોને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરવાનો પરિપત્ર જારી કર્યો છે. 

વડોદરા શહેરની પાસે જ આવેલા ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોળિયા, ઉંડેરા અને વડદલા ગામને વડોદરાની હદમાં ભેળવી દેવા માટે સપ્ટેમ્બર-૨૦૧૯માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ પ્રમાણે કોર્પોરેશનની હદને અડીને આવેલા તેમજ દસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોને જ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરી શકાય છે. અરજદારનાં જણાવ્યાં પ્રમાણે, ગામો ૮૫૦૦ કે તેથી ઓછી વસ્તી ધરાવતા હોવા છતાં તેમને કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયા છે. અગાઉ છાણી અને કપુરાની સહિતના વિસ્તારોને કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયા હતા. આ વિસ્તારોમાં હજુ સુધી પાયાની સુવિધાઓ પણ કોર્પોરેશન આપી શક્્યું નથી. તેથી આ નિર્ણય રદ થવો જાઇએ તેવી દાદ હાઇકોર્ટ સમક્ષ માંગવામાં આવી છે. આ કેસમાં હવે સુનાવણી ૨૬મી જૂનના રોજ હાથ ધરાશે.