ગુવાહાટી,

અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે. અસમ રાઈફલ્સના હથિયારધારી આતંકીઓ વિશે ઈન્ટેલીજન્સને ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સશસ્ત્ર બળો તરફથી એક ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

આ એનકાઉન્ટર અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લા હેઠળ આવતા ખોંસામાં થયુ છે. આ જગ્યા અસમના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટર દૂર પૂુર્વમાં છે. આ એનકાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે છ રાઈફલ અને ભારે દારૂગોળો પણ મળી આવ્યો છે. 

મળતી માહિતી અનુસાર, આ અભિયાનમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ નાગા આતંકવાદી સંગઠન NSCN (આઈએમ)ના હોવાની શક્યતા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટર સવારે લગભગ 4.30 વાગ્યે થયું હતું. બાદમાં ત્યાં તપાસ કરતાં ઘટના સ્થળેથી 6 શસ્ત્રો સહિત અન્ય સામગ્રી મળી હતી.અરુણાચલ પ્રદેશના DGPએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર બાદ સ્થળ પરથી ચાર એકે-47 રાઇફલ્સ અને બે ચીની એમ.સી.યુ. મળી આવ્યાં છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.