28, એપ્રીલ 2025
ગાંધીનગર |
રાજ્ય પોલીસ દ્વારા મહાનગરોમાં વિશેષ ઝુંબેશ ચલાવામાં આવી હતી
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સાંજે ૬ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી દારૂ-જુગારને લગતા મહત્તમ ગુનાઓ નોંધાય છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસે શરૂ કરેલી વિશેષ ઝુંબેશમાં સવા બે મહિનામાં ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુના નોંધ્યા છે. જેમાં દારૂ પીને વાહન ચલાવવાના ગુનાનો પણ સમાવેશ થાય છે.
વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના નોંધાયા
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઈવનિંગ પોલીસિંગ સંદર્ભે શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે શરીર સંબંધી ત્રાસ રોકવા અભિયાન ચલાવ્યું હતું. જેના ફેબ્રુઆરીથી ૨૪ એપ્રિલ સુધીના પ્રોજેક્ટ દરમિયાન સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ-૧૩૫ હેઠળ કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે. જેમાં સુરત શહેરના ૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૩૦૦૧ ગુના, વડોદરા શહેરના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૬૧ ગુના, રાજકોટ શહેરના ૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૫૫૨ ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરના ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૫૧૫ ગુના નોંધાયા હતા.
રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરોમાં નોંધાતા હોવાનું તારણ
અમદાવાદમાં ઇવનિંગ પોલીસિંગમાં દારૂ પીને વાહન ચલાવવાના ૩૨૩, દારૂ પીવા અંગે ૩૬૦, દારૂ રાખવાના ૪૮૭ ગુના નોંધાયા હતા. રાજ્યના ૨૫ ટકા શરીર સંબંધી ગુના ચાર મહાનગરમાં બનતા હોવાનું તારણ છે. પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાના હોટ સ્પોટ નિયત કર્યા હતા. તેમાં જણાયું હતું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી ૨૫ ટકા ગુના ચાર મહાનગરોમાં અને તેમાંથી ૪૫ ટકા ગુના સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં બન્યા છે. તેને ધ્યાનમાં રાખીને શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ વિશેષ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, અને નાકાબંધી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી.