રાજ્યમાં ૧ મેથી સ્ક્રેપ પોલિસીનો અમલ : અંદાજે ૪૫ લાખ વાહનો સ્ક્રેપ થશે
19, એપ્રીલ 2025 ગાંધીનગર   |  

આઠ વર્ષ જૂનાં વાહનો પર ટેક્સ, પેનલ્ટી, વ્યાજની રકમ માફ

રાજ્ય સરકાર દ્વરા ૧લી મે ૨૦૨૫થી સ્ક્રેપ પોલિસીનો અમલ શરૂ થઇ રહ્યો છે. પોલીસ અંતર્ગત રાજ્યમાં આઠ વર્ષ કે તેથી વધુ વર્ષ જૂનાં વાહનો પર સરકાર માન્ય સ્ક્રેપિંગ સેન્ટરમાં અપાશે તો વાહન સ્ક્રેપની કિંમત મળવાની સાથે વાહન પર બાકી આરટીઓ ટેકસ, પેનલ્ટી, વ્યાજ અને ચલણની રકમ પણ માફ થઈ જશે. સ્ક્રેપ પોલિસી હેઠળ ડિટેઈન વાહનો સ્ક્રેપમાં આપી શકાશે નહીં અને વાહન પર ટેક્સ સહિતની રકમ માફીનો પણ કોઈ લાભ નહીં મળે. પોલિસીની સમયમર્યાદા માત્ર પહેલી મેથી ૩૦મી એપ્રિલ-૨૦૨૬ રહેશે. રાજ્યમાં અંદાજે ૪૫ લાખ વાહનો આઠ વર્ષ કે તેથી વધુ જૂના છે.

૩૭.૨૦ લાખ ખાનગી, ૭.૮૦ લાખ ટ્રાન્સપોર્ટ વાહન આઠ વર્ષથી જૂના

હાલ રાજ્યમાં અંદાજે ૨.૦૬ કરોડ વાહનની સંખ્યા છે, જેમાંથી આઠ વર્ષ જૂના વાહનોની સંખ્યા અંદાજે ૪૫ લાખ જેટલી છે. જેમાં ૭.૮૦ લાખ ટ્રાન્સ્પોર્ટ અને ૩૭.૨૦ લાખ ખાનગી વાહનનો સમાવેશ થાય છે. સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ વાહન સ્ક્રેપમાં આપીને વાહન સ્ક્રેપની કિંમત, વિવિધ ટેક્સ અને વ્યાજ માફી ઉપરાંત તેના સર્ટિફિકેટથી નવા વાહન પર સરકારની અન્ય યોજનાનો લાભ મેળવી શકશે. વાહન ડીલરે નવા વાહનના પુરાવાની સાથે સરકાર માન્ય સ્ક્રેપ સેન્ટરનું વાહન માલિકના નામનું સર્ટિફિકેટ મૂકવાનું રહેશે.

આરટીઓ ટેક્સની રકમમાં ૨૫ ટકા ડિસ્કાઉન્ટ

સ્ક્રેપ પોલિસી અંતર્ગત ખાનગી વાહન સરકાર માન્ય સ્ક્રેપ સેન્ટરમાં આપશે ત્યારે વાહન માલિકને સેન્ટર પરથી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો પત્ર મળશે. જે નવા વાહનની ખરીદી વખતે આરટીઓ ટેક્સની ૬ ટકા પ્રમાણે ભરવાની થતી કુલ રકમમાંથી ૨૫ ટકા રકમ વાહન માલિકને ડિસ્કાઉન્ટ મળશે. રિબેટની રકમનો એક જ વાર ફાયદો થશે.

ટ્રાન્સ્પોર્ટ વાહનમાં ટેક્સની રકમમાં ૧૫ ટકા રાહત

સરકાર માન્ય સ્ક્રેપ સેન્ટરમાં પોતાનું કોમર્શીયલ વાહન સ્ક્રેપમાં આપનાર માલિકને વાહનની કિંમત ઉપરાંત સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનો પત્ર મળશે. વાહન માલિક સર્ટિફિકેટના આધારે નવા કોમર્શિયલ વાહનની ખરીદી વખતે વાહન પર આરટીઓ ટેક્સની ૬ ટકા પ્રમાણે થતી કુલ રકમમાંથી ૧૫ ટકા રાહત મેળવી શકશે. ટેક્સનો ફાયદો સમાતર કેટેગરીના કોમર્શિયલ વાહન પર જ મળશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution