28, એપ્રીલ 2025
સુરત, મૂળ અમરેલી સાવરકુંડલાના વતની અને હાલમાં સિંગણપોરની દેવ રેસિડેન્સીમાં રહેતા ૨૯ વર્ષીય ચિરાગ ગોવર્ધન પરમાર સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે. ચિરાગભાઈ ગઇકાલે તેઓ પોતાના ઘરમાં એકાએક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ સીંગણપોર પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં મોર ભાવનગરનાં વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં આવેલા રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય હેમંત ગોવર્ધન ડાભી રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારમાં પત્ની અને પુત્રીનું ગુજરાન ચલાવતા હતા. હેમંત ડાભી ગઈકાલે બપોરે વરાછા કુબેરનગર ખાતે દાંતનાં દવાખાનામાં પત્નીને સારવાર અપાવવા માટે ગયા હતા. દરમિયાન દાંતના દવાખાનામાં એકાએક હેમંત ડાભી બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. જેથી પરિવારજનો તેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હેમંતભાઈને મૃત જાહેર કર્યા હતા. અંગે વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.