28, એપ્રીલ 2025
અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક જાેવા મળ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં જ્યુસની લારી ચલાવતા વેપારી પર તલવાર સાથે હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાદ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદ પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવાર અને લાકડા લઇને આતંક મચાવતા જાેવા મળ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જાહેર રોડ પર જ્યુસના વેપારીની લારીમાં તલવાર વડે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. યુવકે ઉછીના રૂપિયા નહીં આપતા અસામાજિક તત્ત્વો તલવાર લઇને આવ્યા હતા અને રૂપિયા ના આપનાર યુવકના ભાઇની જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનની સામે સૈયદ રીયાઝ હુસેનની ચાલીમાં રહેતા ગુલામસાબીર શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સલમાન ઉર્ફે કાલીયા (રહે, કસાઇની ચાલી, ગોમતીપુર), અરબાઝ હૂસૈન શેખ, સોહેલ ઉર્ફે કટેલી (રહે, રેશમ પુજારીની ચાલી, ગોમતીપુર) સહિત ચારથી વધુ લોકો વિરૂદ્ધ લૂંટ, હુમલો તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં જ કેટલીક એવી ઘટનાઓ બની છે જેને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં બનેલી કેટલીક ઘટનાઓએ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા કર્યા છે.અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત સોસાયટી નજીક ૧૫થી ૨૦ લોકોના ટોળાએ જાહેરમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો હતો. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ઘટનાનો મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી.શહેરના જુહાપુરા વિસ્તારમાં છરી અને લાકડીઓ વડે અસામાજિક તત્ત્વોનો મારામારી કરતો વીડિયો વાયરલ થયો હતો જેનાથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.ખોખરા વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણને લઈને બે શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીઓની હરકતો દેખાઈ હતી.અમદાવાદ પૂર્વના અજીત મિલ પાસેની એક સોસાયટીમાં અસામાજિક ટોળાએ તલવાર, ધોકા અને પથ્થરો વડે પરિવાર પર હુમલો કર્યો હતો, જેનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઓઢવ વિસ્તારમાં ઈસ્ટરના દિવસે ચર્ચ પર હુમલો થયો હતો, જેમાં બજરંગ દળ અને ફૐઁના કેટલાક લોકો લાકડીઓ, છરીઓ અને લોખંડના કડા સાથે પ્રાર્થના સભામાં ઘૂસી ગયા હતા અને મહિલાઓ તથા બાળકોને ધમકાવ્યા હતા.