29, એપ્રીલ 2025
યુનાઇટેડ નેશન્સ |
આતંકવાદ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું કબૂલનામું આખી દુનિયાએ સાંભળ્યું
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ખખડાવ્યું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પોતે આતંકવાદીઓને તાલીમ આપવા અને તેમને નાણાં પૂરાં પાડવાની વાત સ્વીકારી છે, જે કબૂલનામું આખી દુનિયાએ સાંભળ્યું છે. કોઈપણ દેશનું નામ લીધા વિના પોતાના સંબોધનમાં ભારતે કહ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક વિશેષ પ્રતિનિધિમંડળે આ મંચનો દુરુપયોગ કરીને તેને નબળો પાડવા, ખોટો પ્રચાર કરવા અને ભારત વિરુદ્ધ પાયાવિહોણા આરોપો લગાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
યુએનમાં પાકિસ્તાનના કૃત્યોની આકરી ટીકા કરતું ભારત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કૃત્યોની આકરી ટીકા કરી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના ઇતિહાસને સ્વીકાર્યો છે, જે આખી દુનિયાએ સાંભળ્યું છે.
હવે દુનિયા આંખો મીંચી શકે તેમ નથી : યોજના પટેલ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને ઉપ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે કહ્યું હતું કે, આ ખુલ્લું કબૂલનામું કોઈને પણ આશ્ચર્યચકિત કરતું નથી અને પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપનાર અને પ્રદેશને અસ્થિર કરનાર એક દુષ્ટ દેશ તરીકે ખુલ્લો પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે દુનિયા વધુ આંખો મીંચી શકે તેમ નથી.
પાકિસ્તાન સામે ભારત લશ્કરી કાર્યવાહી માટે કેસ તૈયાર કરી રહ્યું છે
દરમિયાન ભારત સક્રિયપણે વૈશ્વિક સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ શાંતિ સ્થાપિત કરવા માટે નહીં, પરંતુ સંભવિત લશ્કરી કાર્યવાહી માટે પોતાના તર્કને મજબૂત કરવા માટે છે. ગત સપ્તાહે થયેલા ભયાનક હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડઝનથી વધુ વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી છે. દરમિયાન ૧૦૦થી વધુ વિદેશી મિશનમાં તૈનાત રાજદ્વારીઓને તાત્કાલિક વિદેશ મંત્રાલય બોલાવાયા છે. અધિકારીઓનું કહેવું છે કે, ભારત પોતાના પાડોશી અને કટ્ટર દુશ્મન સામે લશ્કરી કાર્યવાહી માટે કેસ તૈયાર કરી રહ્યું છે.