જામનગરમાં બે પોલીસકર્મી અને SOG કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
12, જુન 2025 જામનગર   |   2079   |  

જામનગરના સમર્પણ સર્કલ નજીક પંચાયત કાફે રેસ્ટોરન્ટ પાસે એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં રૂ. ૧,૦૦,૦૦૦ ની લાંચ લેતા SOG ના કોન્સ્ટેબલ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ઝડપાઈ ગયા છે. આ લાંચ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ઉદ્યોગનગર પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલ વતી સ્વીકારવામાં આવી હતી.

ફરિયાદી વિરુદ્ધ જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં અગાઉ છેતરપિંડી અંગેની અરજી થઈ હતી. ભવિષ્યમાં કોઈ નવી અરજી આવશે તો જાણ કરવા અને હેરાનગતિ ન થાય તે માટે આરોપી રવિભાઈ શર્માએ ફરિયાદીને કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલને રૂબરૂ મળીને 'કાંઈક વહીવટ' કરી દેવાનું જણાવ્યું હતું.

ફરિયાદી જ્યારે આરોપી ધમભાઈ મોરીને મળ્યા ત્યારે તેમણે ફરિયાદી પાસેથી રૂ. ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી અને આ રકમ આરોપી સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલને આપી દેવા જણાવ્યું. ત્યારબાદ, આરોપી રવિભાઈ શર્માએ ફરિયાદીને પોલીસ ચોકીએ રૂબરૂ બોલાવીને આર.ડી. ગોહિલની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી. આ વાતચીત દરમિયાન આર.ડી. ગોહિલ વતી રૂ. ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી, જેને આરોપી સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલે સહમતિ આપી હતી. આમ કુલ રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ જામનગર ખાતે સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ પર આવેલ પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન રવિભાઈ શર્માએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, કોન્સ્ટેબલ ધમભાઈ બટુકભાઈ મોરી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.ડી. ગોહિલ વતી લાંચની રકમ રૂ. ૧,૦૦,૦૦૦ ફરિયાદી પાસેથી માંગી, સ્વીકારી અને ગુનાહિત ગેરવર્તણૂક કરી. ઘટનાસ્થળેથી આરોપી કોન્સ્ટેબલ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા ઝડપાઈ ગયો હતો. જોકે, આરોપી ધમભાઈ મોરી અને આરોપી આર.ડી. ગોહિલ સ્થળ પરથી મળી આવ્યા નથી.

આ ટ્રેપ ઓપરેશન રાજકોટ એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને જામનગર એસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ. આલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution