09, જુન 2025
નવી દિલ્હી |
13662 |
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ધીરાણ નીતિની જાહેરાત બાદ, દેશની પાંચ મોટી બેંકો - HDFC બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, UCO બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ તેમના હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડાથી નવા અને હાલના બંને પ્રકારના હોમ લોન ગ્રાહકોના માસિક હપતા (EMI) ઘટશે, જેનાથી ઘર ખરીદવાનું અને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં રોકાણ કરવાનું વધુ સરળ બનશે.
RBI એ ૬ જૂન, ૨૦૨૫ના રોજ રેપો રેટ ૬ ટકાથી ઘટાડીને ૫.૫૦ ટકા કર્યો છે. સેન્ટ્રલ બેંકે સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાવ્યો છે. રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને ધિરાણ આપે છે. જ્યારે RBI દ્વારા દરમાં ઘટાડો કરવામાં આવે છે, ત્યારે બેંકો પણ વ્યાજ દર ઘટાડીને તેમના ગ્રાહકો પરની લોનના વ્યાજ દર ઘટાડીને રાહત આપે છે.
કઈ બેંકોએ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો?
1. HDFC બેંક: HDFC બેંકે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં ૧૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે ૭ જૂન, ૨૦૨૫થી અમલી બન્યો છે. ઓવરનાઈટ અને એક મહિનાનો દર ૮.૯૦ ટકા અને ત્રણ મહિનાનો દર ૮.૯૫ ટકા છે.
2. બેંક ઓફ બરોડા (BOB): બેંક ઓફ બરોડાએ તેના રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને ૮.૧૫ ટકા કર્યો છે, જે ૭ જૂન, ૨૦૨૫થી અમલમાં આવ્યો છે. આ નવો દર અગાઉ લીધેલી હોમ લોન અને નવી હોમ લોન બંને પર લાગુ પડશે.
3. પંજાબ નેશનલ બેંક (PNB): PNB એ RLLR ૮.૮૫ ટકાથી ઘટાડીને ૮.૩૫ ટકા કર્યો છે, જે ૯ જૂન, ૨૦૨૫થી અમલમાં આવ્યો છે. હોમ લોનના વ્યાજ દર હવે ૭.૪૫ ટકાથી શરૂ થાય છે, જે તેને સૌથી સસ્તા વિકલ્પોમાંથી એક બનાવે છે.
4. યુકો બેંક (UCO Bank): UCO બેંકે તેના રેપો-લિંક્ડ ધિરાણ દરમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આનાથી હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન સસ્તી થશે, ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટના ગ્રાહકોને રાહત મળશે.
5. બેંક ઓફ ઇન્ડિયા (Bank of India): બેંક ઓફ ઇન્ડિયાએ તેના ધિરાણ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને ૮.૩૫ ટકા કર્યો છે. આ ઘટાડો રિટેલ અને MSME લોન પર લાગુ પડશે, જેનો લાભ હોમ લોન લેનારાઓને મળશે.
EMI પર અસર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ
RBI એ રેપો રેટમાં કુલ એક ટકાના ઘટાડાની અસર હોમ લોનના EMI પર ચોખ્ખી રીતે દેખાય છે. ગ્રાહકોના EMIમાં ઘટાડો થશે. જો તમે ઈચ્છો તો, EMI ને એ જ રાખીને લોનનો સમયગાળો ઘટાડી શકો છો, જેનાથી વ્યાજમાં લાખો રૂપિયાની બચત થઈ શકે છે.
વ્યાજ દરમાં ઘટાડાથી માસિક હપતા (EMI) ઘટશે, જેનાથી સસ્તા અને મધ્યમ આવકવાળા સેગમેન્ટમાં ઘર ખરીદવાનું સરળ બનશે. અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ, આ ઘટાડાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ડિમાન્ડ વધશે, ખાસ કરીને સસ્તા મકાનોમાં. જો તમે ઘર ખરીદવાનું અને હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમય યોગ્ય હોઈ શકે છે, કારણ કે વ્યાજ દર હાલમાં ત્રણ વર્ષના નીચા લેવલે છે.