લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
1584
દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ જીએસટી કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.
તેમજ જાે ગ્રોસ જીએસટી કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે. સતત વધી રહેલી જીએસટી વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.
રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જાેડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે. રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જાેવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.