લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026 |
2871
નવી દિલ્હી:હવે એરલાઇન કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું સીટોની માગ મુજબ વધારી શકશે. સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ ભાડા પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આદેશ મુજબ આ ર્નિણય ૨૩ માર્ચથી લાગુ પડશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં આવેલી અડચણો પછી ભાડાની મર્યાદા લાગુ કરાઈ હતી. સરકારે એરલાઇન્સનું મહત્તમ ભાડું ૧૮૦૦૦ નક્કી કર્યું હતું. સમીક્ષા પછી, એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે ભાડા પર લાદવામાં આવેલી મર્યાદા ૨૩ માર્ચથી હટાવી દેવાશે. જાેકે, ગયા વર્ષે ડીજીસીએએ ૧ નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ મેમ્બર્સના કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા હતા. તેને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન નામ આપવામાં આવ્યું હતું. આને કારણે એરલાઇન કંપની ઇન્ડિગોમાં સ્ટાફની અછત સર્જાઈ હતી, જેના કારણે હજારો ફ્લાઇટ્સ રદ થઈ હતી. આને કારણે અન્ય એરલાઇન્સે ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું ૫૦ હજાર સુધી વધારી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે એરલાઇન્સને કિંમતોના મામલે શિસ્ત જાળવી રાખવી પડશે. મંત્રાલયે કહ્યું કે એરલાઇન્સ એ સુનિશ્ચિત કરશે કે ભાડું વાજબી, પારદર્શક અને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ હોય, અને મુસાફરોના હિતો પર કોઈ ખરાબ અસર ન પડે. મંત્રાલયે કહ્યું કે ભાડામાં કોઈપણ પ્રકારનો અતિશય કે અયોગ્ય વધારો ગંભીરતાથી લેવામાં આવશે.