લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026 |
2574
નવી દિલ્હી :અમેરિકાની વાહન બ્રેથ એનલાઇઝર કંપની ઇન્ટોક્સ લોક પર થયેલા તાજેતરના સાયબર હુમલાના કારણે દેશભરના ડ્રાઇવર્સ માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ૧૪ માર્ચે થયેલા આ હુમલાના કારણે ઘણા લોકો પોતાની કાર સ્ટાર્ટ કરી શકતા નથી. ઇન્ટોક્સ લોકના ડિવાઇસનો ઉપયોગ એવા લોકો કરે છે જેમને કાર સ્ટાર્ટ કરતા પહેલા નેગેટિવ આલ્કોહોલ બ્રેથ સેમ્પલ આપવું જરૂરી હોય છે.ઇન્ટોક્સ લોકની પ્રવક્તા રેચેલ લાર્સને સાયબર હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે કંપનીએ પોતાના કેટલાક સિસ્ટમ્સને તાત્કાલિક રીતે બંધ રાખ્યા હતા. આ સાયબર એટેકની અસર ડિવાઇસની કેલિબ્રેશન પ્રક્રિયા પર પણ પડી છે. આ કેલિબ્રેશન સામાન્ય રીતે થોડા-થોડા મહિનામાં કરવું જરૂરી હોય છે. જેમના પણ ડિવાઇસની કેલિબ્રેશન બાકી હતી એવા ગ્રાહકોને કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
આ સાયબર એટેકને કારણે અમેરિકામાંન્યૂ યોર્કથી લઈને મિનેસોટા સુધી કાર લૉકડ આઉટની સમસ્યા સામે આવી છે. ડ્રાઇવર્સે આ વિશે પોતાની સમસ્યાઓ શેર કરતા જણાવ્યું કે કેલિબ્રેશન ચૂકી જવાના કારણે તેમની કાર સ્ટાર્ટ થતી નથી. આ કારણસર તેઓ પોતાની જ કારમાંથી લૉકડ આઉટ થઈ ગયા છે. મિડલબરોના એક ઓટો શોપે તો જાણકારી આપી કે આ ઘટનાને કારણે તેમની પાર્કિંગમાં કાર્સ એક અઠવાડિયાથી ઊભી રહી હતી.કંપનીની વેબસાઇટ મુજબ ઇન્ટોક્સ લોકની ટેક્નોલોજી ૪૬ રાજ્યોમાં ઉપયોગમાં લેવાય છે દર વર્ષે લગભગ ૧.૫ લાખ ડ્રાઇવર્સને સેવા આપે છે. જાેકે કંપનીએ હજી સુધી આ હુમલો કયા પ્રકારનો હતો તે અંગે કોઈ માહિતી આપી નથી.