લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026 |
1782
મુંબઈ :એચડીએફસી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ ૧૮ માર્ચના રોજ મોડી રાત્રે રાજીનામું આપી દીધું હતું. બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. ચક્રવર્તીએ બેંકના કામકાજની રીતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમના ગયા પછી રિઝર્વ બેંકની મંજૂરીથી કેકી મિસ્ત્રીને ૧૯ માર્ચથી ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. રાજીનામાના સમાચાર પછી આજે એચડીએફસીના શેરમાં ૫%નો ઘટાડો જાેવા મળ્યો છે. તે ૪૩ રૂપિયા ઘટીને ૮૦૦ રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે એચડીએફસી બેંકનો શેર લગભગ ૨૦% તૂટી ચૂક્યો છે.
અતનુ ચક્રવર્તીએ તેમના રાજીનામા પત્રમાં બેંકના આંતરિક કલ્ચર અને કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન મેં બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ અને પ્રથાઓ જાેઈ છે, જે મારા વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતાને અનુરૂપ નથી. કેકી મિસ્ત્રી હાલમાં બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ એચડીએફસી લિમિટેડના બેંકમાં વિલિનીકરણ પહેલા તેના વાઇસ ચેરમેન અને ઝ્રઈર્ં રહી ચૂક્યા છે. બેંકિંગ સેક્ટરમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને હાલમાં ૩ મહિના માટે કમાન સોંપવામાં આવી છે.
કેકી મિસ્ત્રીએ ગરુવારે રોકાણકારો અને હિતધારકોને ખાતરી આપી હતી કે બેંક સંપૂર્ણપણે સ્થિર છે. બેંકમાં ચિંતાજનક કોઈ મોટી વાત નથી. મિસ્ત્રીએ કહ્યું કે બોર્ડ દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
એચડીએફસી માં કોઈ ગંભીર ચિંતાની વાત નથી : રિઝર્વ બેંક
આ મામલે રિઝર્વ બેંકે કહ્યું કે એચડીએફસી બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન પદને લઈને બેંક તરફથી જે અસ્થાયી વ્યવસ્થા માગવામાં આવી હતી, તેને રિઝર્વ બેંકે મંજૂરી આપી દીધી છે. એચડીએફસી બેંક દેશની એક ‘સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક’ છે, જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે. બોર્ડ વ્યવસાયિક રીતે કામ કરી રહ્યું છે અને મેનેજમેન્ટ ટીમ ખૂબ જ સક્ષમ છે. બેંકના કામકાજ કે ગવર્નન્સને લઈને હાલમાં કોઈ ગંભીર ચિંતાની વાત નથી. બેંક પાસે પૂરતી મૂડી છે અને લિક્વિડિટી એટલે કે રોકડની સ્થિતિ પણ સંતોષજનક છે. રિઝર્વ બેંક આગળના રસ્તાઓને લઈને બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં રહેશે.