સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે નિર્ણાયક સપ્તાહ, યુદ્ધ બંધ નહીં થાય તો સ્થાનિક ઉદ્યોગો ટપોટપ બંધ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   સુરત   |   1386

આવતીકાલ તા.૨૩મી માર્ચને સોમવારથી શરૂ થઇ રહેલું નવું સપ્તાહ સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે નિર્ણાયક પુરવાર થશે. સુરતનાં કાપડ ઉદ્યોગની વેલ્યુચેઇન સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ અત્યાર સુધી એ બાબતની વેઇટ એન્ડ વોચમાં હતા કે મીડલ ઇસ્ટમાં છેલ્લા ૨૩ દિવસથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ ગમે ત્યારે અટકી જશે. આ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં ત્રણ સપ્તાહથી વધુ સમય વિતી ગયો છે અને હવે આ અઠવાડિયામાં જો રાહત નહીં મળે તો સુરતનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ ટપોટપ બંધ થવા માંડશે.

જાણીતા ઉદ્યોગપતિ વિક્રમ શર્માનું કહેવું છે કે ૨૮મી ફેબ્રુઆરીએ ઇરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું હતું ત્યારથી વીવિંગ ઉદ્યોગથી લઇને મિલમાલિકો સુધીનાં મેન્યુફેક્ચરર્સ એ વાતની રાહ જોઇ રહ્યા હતા કે યુદ્ધ બંધ થશે કે યુદ્ધ વિરામ થશે તો પરિસ્થિતિ થાળે પડવા માંડશે. પરંતુ, હવે ૨૩ દિવસ વિતી ચૂક્યા છે અને યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશો, ગેસ, રો-મટીરિયલ વગેરેની શોર્ટેજ ઉભી થઇ છે અને તેને કારણે કાપડ જેમાંથી બને છે એ નાયલોન યાર્ન, પોલીએસ્ટર યાર્નનાં ભાવ ૫૦ ટકા જેટલા વધી ગયા છે. આમ છતાં કાપડ ઉત્પાદન જારી રાખવામાં આવ્યું છે પરંતુ, હવે આ સપ્તાહ એટલા માટે નિર્ણાયક નિવડશે કેમકે કાપડ ઉદ્યોગ ત્રણ મોટી મહામુસીબતોથી ઘેરાઇ ચૂક્યો છે. રોમટીરિયલનો ભાવ વધારો, લેબર શોર્ટેજ અને બજારમાં ઘરાકી નથી આવી સ્થિતિમાં પડતર કિંમત ઉંચી રાખીને માલનુ ઉત્પાદન કરવામાં આવે તો કારખાનેદારોએ ભવિષ્યમાં મોટી નુકસાની વહોરવી પડે તેમ છે. એટલે આ સપ્તાહમાં જો યુદ્ધમાં કોઇ રાહતનાં સમાચાર નહીં આવે તો ઉદ્યોગો ટપોટપ બંધ થવા માંડશે સચિનનાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલનાં સંચાલક મિતુલ મહેતાનું કહેવું છે કે વેઇટ એન્ડ વોચનો સમય પણ પૂરો થઇ ગયો છે. ગઇ તા.૧લી માર્ચથી જોતા આવ્યા છે કે યુદ્ધ દિનપ્રતિદિન વરવું સ્વરૂપ લઇ રહ્યું છે અને મેન મેઇડ ફાઇબરથી ચાલતા સુરતનાં કાપડ ઉદ્યોગમાં હવે અમારા જેવા મિલ માલિકોએ તો ઉત્પાદન જારી રાખવું કપરું બની ગયું છે. મિતુલ મહેતાએ જણાવ્યું કે તેમની મિલમાં કામ કરતા કામદારો માટે સવાર-સાંજ મિલમાંથી જ ભોજન મળે તેવી વ્યવસ્થા કરી છે, આમ છતાં લેબર શોર્ટે જ છે. સવારે ૬૫૦ વ્યક્તિઓ અને સાંજે ૬૫૦ વ્યક્તિનું ભોજન ઉપરાંત કામદારો પોતાના પરિવારજનો માટે પણ મિલ પરથી ભોજન લઇ જઇ શકે તેવી વ્યવસ્થા કરી છે. કામદારોને સીલિન્ડર મળવાં મુશ્કેલ છે. આવી લેબર શોર્ટેજમાં જેમ તેમ કરીને કામ ચાલે છે પરંતુ, જે રીતે કોલસો, કેમિકલ્સનાં ભાવ વધ્યાં છે એ જોતા પ્રોસેસિંગ ઉદ્યોગ, ડાઇંગ પ્રિન્ટિંગ મિલો માટે જૂના રેટથી કામ કરવું મુશ્કેલ છે. મિતુલ મહેતાએ કહ્યું કે અમારા જેવા અનેક મિલમાલિકોએ કોસ્ટિંગ મુજબ નવા રેટથી કામ લેવાનું શરૂ કરવું પડ્યું છે. જોકે સંગઠન કહે એ મુજબ આગામી સપ્તાહથી ઉત્પાદન કાપ તરફ આગળ વધવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution