રેપો રેટમાં 0.50% ઘટાડાને બજારે આવકાર્યો, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉત્સાહ
06, જુન 2025 નવી દિલ્હી   |   5742   |  

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ આજે મોટી જાહેરાત કરી છે. જેમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50% ઘટાડો કરાયો છે. આ નિર્ણયથી બજારમાં તેજી જોવા મળી છે. સવારે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ RBIનો નિર્ણય આવતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછળ્યા હતા.

સવારે 9:18 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ 155 પોઈન્ટ ઘટીને 81,286.34 પર હતો. તે જ સમયે, નિફ્ટી પણ 17 પોઈન્ટની નબળાઈ સાથે 24,733.90 પર ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ RBI ના નિર્ણય પછી, સવારે 11:10 વાગ્યા સુધીમાં બજારમાં મોટી રિકવરી જોવા મળી. સેન્સેક્સ 721.68 પોઈન્ટ (0.89%) વધીને 82,163.72 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 230.05 પોઈન્ટ (0.93%) વધીને 24,980.95 પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે, બજારે RBIના નિર્ણયનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું.

RBIએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ 0.25-0.25%નો ઘટાડો કરાયો હતો. હવે જૂનમાં, રેપો રેટમાં 0.50% સીધો ઘટાડો કરીને તેને 5.50% સુધી લાવવામાં આવ્યો છે. જેના પગલે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરો પર અસર થશે અને તમારા EMIમાં રાહત મળી શકે છે.

નિષ્ણાતો માને છેકે, વ્યાજ દરોમાં ફેરફારની અસર સામે આવતાં, બેંકિંગ અને નાણાકીય શેરોમાં પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. તે જ સમયે, રેપો રેટમાં ઘટાડાનો લાભ હવે ધીમે ધીમે વિવિધ ક્ષેત્રો સુધી પહોંચશે. ખાસ કરીને હાઉસિંગ, ઓટો, બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં, વૃદ્ધિની ગતિ વધવાની અપેક્ષા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution