04, જુન 2025
49698 |
ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ સાધી અદાણી જૂથની આગેકૂચ
વડોદરા: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે. એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર સ્થિતિ સ્થાપકતા દર્શાવી છે. એજન્સીના 1 જૂનના અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરવાની નેમ વ્યક્ત કરી છે.
ગૌતમ અદાણીએ કંપનીની મજબૂત બેલેન્સ શીટ અને વૃદ્ધિનો ઉલ્લેખ કરીને આ વાત કહી છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના તાજેતરના વાર્ષિક અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે "વિવિધ સંપાદનો અને કડક તપાસનો સામનો કર્યો હોવા છતાં અદાણી ગ્રુપ ક્યારેય પાછળ હટ્યું નથી. એટલું જ નહીં, આ જૂથ પોતાની વ્યૂહરચના બદલી વધુ સ્થિતિસ્થાપક, પ્રબળ અને અડીખમ બનીને ઉભરી આવ્યું છે."
અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું, "અમારા ઉદ્દેશ્યો ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ ધરાવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા શેરધારકોનો અમારામાં દૃઢ વિશ્વાસ એ જ અમારી તાકાત છે." તેમણે ઉમેર્યું હતું કે "પ્રત્યેક પડકાર અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને દરેક અવરોધ એક પગથિયું બની જાય છે."
ગૌતમ અદાણી જણાવે છે કે "આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકારાત્મકતા ઘણીવાર સત્ય કરતાં વધુ પડઘા પાડે છે. પરંતુ અમે કાનૂની પ્રક્રિયાઓને સહકાર આપીએ છીએ. હું એ પણ ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમારા જૂથની કામગીરી વૈશ્વિક ધોરણો મુજબની છે. અમારુ માળખુ મજબૂત છે, અમે તેમાં કોઈ સમાધાન કરતા નથી."
વિગત વર્ષોમાં અદાણી જૂથના વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. બંદરોથી લઈને એરપોર્ટ, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન, ડેટા સેન્ટરો, સંરક્ષણ ઉત્પાદન, શહેરી ગેસ જેવા અદાણી ગ્રુપના વ્યવસાયોએ નવા વિક્રમો સર્જ્યા છે.
ગૌતમ અદાણીએ કહ્યું, "ઇતિહાસ અમને બેલેન્સશીટના કદ માટે નહીં, પરંતુ અમારા નક્કર પાયા માટે યાદ રાખશે; અમે જે બજારોમાં પ્રવેશ્યા તેના માટે જ નહીં, પરંતુ જે વિપદાઓમાંથી મજબૂત બની બહાર આવ્યા તેના માટે યાદ રાખશે. જ્યારે બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ હોય ત્યારે નેતૃત્વ કરવું સરળ છે, પરંતુ નેતૃત્વની સાચી કસોટી તો કટોકટીનો સામનો કરવામાં જ થાય છે.