૯૯ % શુદ્ધ ચાંદીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવી ‘રેસ્ટ્રિક્ટેડ’ કેટેગરીમાં મૂકી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   2376

પશ્ચિમ એશિયામાં સતત તણાવની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોના-ચાંદી અંગે વધુ એક મોટો ર્નિણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, સરકારે ચોક્કસ કેટેગરીના ચાંદીના બારની આયાતના નિયમો કડક કર્યા છે. હવે ૯૯.૯% શુદ્ધતા ધરાવતી ચાંદીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રેસ્ટ્રિક્ટેડ’ (નિયંત્રિત) કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ સિવાય અન્ય સિલ્વર બારને પણ આ જ નિયંત્રિત શ્રેણીમાં ધકેલી દેવાયા છે, જેનો સીધો મતલબ એ છે કે હવે સરકારી પરમિટ વગર તેની આયાત કરી શકાશે નહીં.

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ હવે સોનાની આયાત પર મહત્તમ ૧૦૦ કિલોગ્રામની મર્યાદા લાદવામાં આવી છે. આ સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારોને ઝીરો ડ્યુટી પર કાચો માલ આયાત કરવાની મંજૂરી મળતી હોય છે. અગાઉ આ સ્કીમ હેઠળ સોનું લાવવાની કોઈ સીમા નક્કી નહોતી, પરંતુ હવે સરકારે ગોલ્ડ આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન ઈશ્યુ કરવા અને તેના મોનિટરિંગના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે. હાલમાં જ સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે. સોનું અને ચાંદી પર આયાત ડ્યુટી અગાઉ માત્ર ૬% હતી, જેને સીધી વધારીને હવે ૧૫% કરી દેવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution