સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ તેજી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2025  |   મુંબઈ   |   54450

રેટ કટની અપેક્ષાએ રિયાલ્ટી શેર્સમાં ઉછાળો

શેરબજારમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા


શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ બપોરના સેશનમાં તેજીનું જોર વધ્યું હતું. સેન્સેક્સ 912.88 પોઈન્ટ ઉછળી 81911.13ના લેવલે પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં પણ 3.61 લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. નિફ્ટી 12.22 વાગ્યે 231.45 પોઈન્ટ ઉછળી 24849.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 758.94 પોઈન્ટ ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.આરબીઆઈની હાલ ચાલી રહેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટવાની અપેક્ષા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધતાં શેરબજારમાં તેજીના સંકેતનો મળ્યા છે. વધુમાં અમેરિકા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ વ્યાજના દરોમાં ઘટાડો થવાની સંભાવના વધી છે. જેનો શેરબજારની તેજીને ટેકો મળ્યો છે.એકંદરે શેરબજારમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ રહ્યા હતાં. હેલ્થકેર, રિયાલ્ટી, પાવર, એનર્જી સેક્ટરના શેર્સમાં વોલ્યૂમ વધ્યા હતાં. જેના લીધે આ ઈન્ડેક્સમાં 80થી 1.56 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સ્મોલકેપ અને  મીડકેપમાં પણ વોલ્યૂમ વધ્યા હતાં. આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં 0.50 ટકાના ઘટાડાની જાહેરાત થવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે રિયાલ્ટી શેર્સમાં આજે તેજી આવી હતી. જો આરબીઆઈ વ્યાજના દરો ઘટાડે તો હોમ-ઓટો સહિતની લોનના દરો ઘટશે, જેથી રિયાલ્ટી સેગમેન્ટમાં જોવા મળી રહેલી મંદી દૂર થવાની અપેક્ષા સેવાઈ રહી છે. આજે શોભા 4.87 ટકા, બ્રિગેડ 4.39 ટકા, પ્રેસ્ટિજ 3.60 ટકા, લોધા 1.58 ટકા ઉછળ્યો હતો. આ સાથે બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ 1.68 ટકા ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution