27, મે 2025
નવી પેટાકંપની મુખ્યત્વે રોકાણ અને સંચાલનનું કામ કરશે : પૂર્વ આફ્રિકન બજારોમાં પ્રવેશવામાં મદદ મળી શકે
વડોદરા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે (Adani Ports & SEZ) સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં એક નવી સ્ટેપ-ડાઉન પેટાકંપની ઇસ્ટ આફ્રિકા પોર્ટ્સ FZCOની સ્થાપના કરી છે. આ કંપની અદાણી ઇન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જને અપાયેલ માહિતી પ્રમાણે પૂર્વ આફ્રિકા પોર્ટ્સ FZCOનું રજીસ્ટ્રેશન દુબઈ સરકારના દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC) હેઠળ કરવામાં આવ્યું છે.
આ નવી પેટાકંપની મુખ્યત્વે વ્યવસાયિક સાહસોમાં રોકાણ અને સંચાલન મામલે કામ કરશે. એટલે કે આ કંપની અન્ય વ્યવસાયોમાં મૂડી રોકાણ કરશે અને તેમના સંચાલનમાં પણ મદદ કરશે. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ખાસ કરીને દુબઈમાં એક નવી પેટાકંપની પૂર્વ આફ્રિકા પોર્ટ્સ FZCO ની રચનાથી કંપનીને ઘણા ફાયદાઓ થવાની અપેક્ષા છે.
FZCO થકી અદાણી પોર્ટ્સ મધ્ય પૂર્વ, આફ્રિકા અને તેનાથી આગળના નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચવા દેશના વ્યૂહાત્મક સ્થાનનો લાભ લઈ શકે છે. વળી સ્થાનિક હાજરી સાથે આ પ્રદેશમાં બંદર સેવાઓની વધતી માંગનો પણ લાભ થશે, જેનાથી તેના બજાર હિસ્સા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
અદાણી પોર્ટ્સ હાલની કામગીરી સાથે સિનર્જી કેળવી UAE ની પેટાકંપની ભારતને વિશ્વના અન્ય દેશોમાં ચાલતા અદાણી પોર્ટ્સના હાલના ઓપરેશન્સને પૂરક બનાવી શકે છે, જેનાથી ક્રોસ-સેલિંગ અને બંડલિંગ સેવાઓ માટે તકો ઊભી કરી શકે છે. વળી FZCO થકી અદાણી પોર્ટ્સને પૂર્વ આફ્રિકન બજારોમાં પ્રવેશવામાં મદદ મળી શકે છે, જ્યાં કંપની પહેલાથી જ પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.
તાજેતરના UAEમાં અદાણી ગ્રુપનું વિસ્તરણ, જેમ કે દુબઈના જેબેલ અલી ફ્રી ઝોનમાં ઇન્ટરનેશનલ FZCO અને અબુ ધાબીમાં અદાણી પાવર મિડલ ઇસ્ટ લિમિટેડની સ્થાપના આ ક્ષેત્ર પ્રત્યેની જૂથની પ્રતિબદ્ધતા અને ભવિષ્યના વિકાસની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. અગાઉ APSEZ એ ઓસ્ટ્રેલિયામાં નોર્થ ક્વીન્સલેન્ડ એક્સપોર્ટ ટર્મિનલ (NQXT) ના સંપાદન સાથે વૈશ્વિકસ્તરે દેશને વધુ મજબૂત બનાવવા નિર્ણાયક પગલું ભર્યુ હતું.
અદાણી પોર્ટ્સે જારી કરેલા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામોમાં ચોખ્ખો નફો 48% વધીને ₹3,014 કરોડ થયો છે. કંપનીની વાર્ષિક આવક પણ 23.1% વધીને ₹6,896.5 કરોડથી ₹8,488.44 કરોડ થઈ છે. વળી બ્લૂમબર્ગના ડેટા અનુસાર કંપનીને મોનીટર કરનારા 19 વિશ્લેષકોમાંથી મોટાભાગના લોકોએ તેને ખરીદવાની ભલામણ કરી છે. તેમનો સરેરાશ ૧૨ મહિનાનો લક્ષ્યાંક ભાવ વર્તમાન ભાવ કરતાં લગભગ ૧૨.૪% વધારે છે, જે દર્શાવે છે કે નજીકના ભવિષ્યમાં શેરમાં વધુ ઉછાળાની સંભાવના છે.