આ વર્ષે બિટકોઈન સોના કરતાં વધુ નફો આપી શકે છે : જેપી મોર્ગનની આગાહી
18, મે 2025 ન્યુયોર્ક   |  

છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિપ્ટો સેગમેન્ટમાં ઝડપથી વધારો થયો છે. આ બજારમાં સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનના ભાવમાં આ વર્ષે ઘણી અસ્થિરતા જોવા મળી છે. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સહિત ઘણા દેશોથી થતી આયાત પર ભારે ટેરિફ લાદવામાં આવી રહ્યા છે. જોકે, ટ્રમ્પે ચીન સાથે વેપાર કરાર કરવાનો સંકેત આપ્યા પછી, બિટકોઇન ફરી એકવાર સુધર્યું છે અને ૧,૦૦,૦૦૦ ડોલરના આંકને પાર કરી ગયું છે.

યુએસ બેંક જેપી મોર્ગને આગાહી કરી છેકે, આ વર્ષે બિટકોઇન સોના કરતાં વધુ વળતર આપી શકે છે. જેપી મોર્ગનના વિશ્લેષકોના મટે આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યથી એપ્રિલના મધ્ય સુધી, બિટકોઇનને કારણે સોનામાં વધારો થયો હતો. જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિપરીત થઈ રહ્યું છે. સોનાને કારણે બિટકોઇનની કિંમત વધી રહી છે. જેપી મોર્ગનના મેનેજિંગ ડિરેક્ટર નિકોલોસ પાનિગિરત્ઝોગ્લો કહે છે, આ વર્ષે સોનું અને બિટકોઈનમાં ભારે તેજી રહી છે અને બાકીના વર્ષ દરમિયાન પણ તે એવી જ રહેવાની શક્યતા છે. જોકે, આ વર્ષના બીજા ભાગમાં અમારી આગાહી છે કે સોનાનું વળતર આના કરતા ઓછું રહેશે.

બિટકોઈનનો ભાવ થોડા મહિના પહેલા લગભગ ૧,૧૦,૦૦૦ ડોલરના ઉચ્ચતમ સ્તરથી ઘટીને ૭૫,૦૦૦ ડોલરની નીચે આવી ગયો. આ પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પનો ટેરિફ અંગેનો નિર્ણય હતો. જોકે, ગયા અઠવાડિયાથી તેમાં સુધારો થયો છે અને તે ૧,૦૩,૦૦૦ ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તાજેતરમાં, ટ્રમ્પે આ સૌથી જૂની ક્રિપ્ટોકરન્સીના વ્યૂહાત્મક અનામત બનાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. સરકાર દ્વારા જપ્ત કરાયેલા બિટકોઇનને યુએસ સ્ટ્રેટેજિક બિટકોઇન રિઝર્વમાં સમાવવામાં આવશે. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કરદાતાઓના પૈસાનો ઉપયોગ સૌથી વધુ બજાર મૂલ્ય ધરાવતી આ ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે કરવામાં આવશે નહીં.

કેટલાક દેશોમાં ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણીઓ પણ સ્વીકારવામાં આવી રહી છે. આ દેશોની યાદીમાં ભૂટાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ભૂટાને ક્રિપ્ટો પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી. આ માટે, મોટા ક્રિપ્ટો એક્સચેન્જોમાંના એક, બાઈનન્સ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ભૂટાનના આ નિર્ણયનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને ચલણ વિનિમય દરો અને આંતરરાષ્ટ્રીય કાર્ડની ઓછી ઉપલબ્ધતાની ઝંઝટથી બચાવવા અને ચુકવણીનો સરળ માર્ગ પૂરો પાડવાનો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution