15, મે 2025
મુંબઈ |
1 મહિનામાં ૪૮ ટકા સુધીનું વળતર આપ્યું છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં દેશની લશ્કરી આત્મનિર્ભરતા અને ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રશંસા કરી. આ સાથે, સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા શેરોમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ શેરોમાં ફક્ત આ અઠવાડિયે જ નહીં પરંતુ છેલ્લા એક મહિનામાં પણ સતત વૃધ્ધિ જોવા મળી છે.
ડ્રોન ટેકનોલોજીમાં અગ્રણી કંપની આઈડિયાફોર્જે છેલ્લા 1 મહિનામાં લગભગ ૪૮ ટકા વળતર આપ્યું છે. જોકે, છેલ્લા 6 મહિનામાં તેમાં ૭ ટકા અને એક વર્ષમાં ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીને વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં રૂ. ૨૬ કરોડનું ચોખ્ખું નુકસાન થયું છે, જ્યારે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તેનો નફો રૂ. ૧૦ કરોડ હતો. કંપનીની આવક પણ ૮૦ ટકા ઘટીને ૨૦ કરોડ રૂપિયા થઈ ગઈ.
છેલ્લા એક મહિનામાં પારસ ડિફેન્સના શેરમાં ૪૨ ટકાનો વધારો થયો છે. તેણે છ મહિનામાં ૫૦ ટકા અને એક વર્ષમાં ૧૦૩ ટકા વળતર આપ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૯૭ ટકા વધીને રૂ. ૧૯.૭ કરોડ થયો. આવકમાં ૩૫.૮ ટકાનો વધારો નોંધાયો છે. આ કંપની સંરક્ષણ અને અવકાશ ઉત્પાદનોની ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણમાં કામ કરે છે.
ડેટા પેટર્ન્સના શેરે એક મહિનામાં ૩૫ ટકા વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષમાં તેમાં 1૧૪ ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો ૧૨ ટકા ઘટીને રૂ. ૪૫ કરોડ થયો અને આવકમાં પણ ૧૫ ટકાનો ઘટાડો થયો. કંપનીએ હજુ સુધી ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા નથી.
DCX સિસ્ટમ્સના શેરે એક મહિનામાં ૩૭ ટકા વળતર આપ્યું છે. કંપની સિસ્ટમ ઇન્ટિગ્રેશન, કેબલ અને ઇલેક્ટ્રોનિક સબ-સિસ્ટમના ઉત્પાદનમાં રોકાયેલી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ૨૫ ઘટીને રૂ. ૧૦ કરોડ થયો, જ્યારે આવક નજીવી રીતે વધીને રૂ. ૨૦૦ કરોડ થઈ.
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સના શેરે એક મહિનામાં ૨૯ ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં ૫૫ ટકા અને એક વર્ષમાં ૧૨૨ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૨૪૪ કરોડ રહ્યો, જે ગયા વર્ષના રૂ. ૧૧૨ કરોડ કરતા બમવો છે. આવકમાં પણ ૬૨ ટકાનો વધારો નોંધાયો છે.
સંરક્ષણ ક્ષેત્રમાં હાલની તેજી અને મેડ ઇન ઇન્ડિયા પહેલને કારણે રોકાણકારોએ આ શેરો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે, કેટલીક કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ નબળા રહ્યા છે. તેથી, કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કંપનીના નાણાકીય અહેવાલ અને બજારના વલણોને કાળજીપૂર્વક જોવું મહત્વપૂર્ણ છે.