ગુજરાત ATSની કાર્યવાહી : સરહદી વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ
24, મે 2025 ગાંધીનગર   |  

ગુજરાત એટીએસે સરહદી વિસ્તારમાંથી એક જાસૂસની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા જાસૂસ પર પાકિસ્તાનને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવાનો આરોપ છે. પોલીસે હાલમાં જાસૂસની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છેકે, આરોપી ISI હેન્ડલરના સતત સંપર્કમાં હતો.

પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકોની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. પોલીસને શંકા છેકે ઓપરેશન સિંદૂર દરમિયાન જાસૂસે ગુજરાત સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સૈન્ય તૈનાત કરવા અંગે પાકિસ્તાન સાથે ઘણી માહિતી શેર કરી હશે. જોકે, આ અંગે હજુ તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટપણે જાણી શકાશે કે આ જાસૂસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે કેવા પ્રકારની માહિતી શેર કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. એક અધિકારીને માહિતી મળી હતી કે, સહદેવસિંહ ગોહિલ BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો છે. જે બાદ સ્પેશિયલ ટીમ બનાવીને તેની ધરપકડ કરાઇ હતી.


આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. આદિતીએ આરોપી પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી. જે માટે તેને આરોપીને રૂ. ૪૦ હજાર રોકડ પણ આપ્યા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલવામાં આવ્યો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે વાત થતી હતી.

જૂન-જુલાઈ ૨૦૨૩થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે વોટ્સએપથી કોન્ટેક્ટમાં હતા. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે, જેમાંથી કેટલાક ટ્રેપમાં આવી જાય છે. વોટ્સએપ માટે ભારતીય નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છેકે, આરોપીએ કેટલાક વીડિયો ડિલીટ કર્યા છે, જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution