28, એપ્રીલ 2025
સુરત, સુરત શહેરના કતારગામ ખાતે રહેતા પરમાર પરિવારના સભ્ય રત્નકલાકારનો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાને આર્થિક સંકડામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૂળ ભાવનગર ના વતની અને હાલમાં કતારગામ વિસ્તારમાં આવેલી નારાયણ નગરમાં રહેતા ૩૯ વર્ષીય ભગવાન છગન પરમાર એકલો રહેતો હતો. રત્નકલાકાર તરીકે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ભગવાને રવિવારે બપોરે ઘરના પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભગવાન કાયમ પડોશીઓને કહેતો હતો કે હીરામાં બહુ મંદી છે બહુ મંદી છે. હાલ તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભગવાને આર્થિક સંકડામણ ના કારણે આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. અંગે વધુ તપાસ કતારગામ પોલીસ કરી રહી છે.
પાંડેસરામાં સગી બે બહેને દવાનો ઓવરડોઝ લઇ આપઘાતનો પ્રયાસ કર્યો
સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં ધોરણ ૭માં અભ્યાસ કરતી બે સગી બહેનને દવાનો ઓવરડોઝ ગળી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરી છે. પિતાના અવસાનના એક માસ બાદ બંને દીકરીના આપઘાતના પ્રયાસથી ચકચાર મચી છે. બંને બહેનોએ કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય ઘેરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મિલન પોઈન્ટ પાસે આવેલા જય અંગે નગરમાં રહેતી ૧૪ વર્ષીય મુસ્કાન લક્ષ્મીકાન્ત મિશ્રા અને ૧૩ વર્ષની તેની નાની બહેન અંકિતાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં કોઈ દવાના ઓવરડોઝ ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બહેનોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં બંને બહેનોને વધુ સારવાર માટે એફ-ડી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર મુસ્કાન અને અંકિતા મૂળ યુપીની વતની છે, અને હાલમાં પાંડેસરાની જ સરકારી શાળામાં ધોરણ ૭માં અભ્યાસ કરે છે. તેણીના પિતાનું એક માસ પહેલા જ બીમારીના કારણે અવસાન થયું હતું અને બંને બહેનો પોતાની અન્ય ખોલી (રૂમ) ભાડે આપી પોતાનું ગુજરાન ચલાવે છે. બંને બહેનોએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય સર્જાયું છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ આરંભી છે.
એમ્બ્રોડરીનાં વેપારીનાં વૃદ્ધ માતાનો ગૃહ ક્લેશથી કંટાળી આપઘાત
સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં રહેતા એમ્બ્રોડરી વેપારીના વૃદ્ધ માતાએ ઝેર ગટગટાવી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વૃદ્ધાએ ગૃહ કલેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. સ્મીમેરમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગર જિલ્લામાં આવેલા તારાજ ગામના વતની વૃધ્ધા ગૌરીબેન નરશીભાઈ બેલડીયા હાલમાં સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં આવેલી ખોડલ છાયા સોસાયટીમાં પુત્ર સાથે રહેતા હતા. તેમનો પુત્ર એમ્બ્રોડરીનું ખાતું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે ગૌરીબેને પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. શનિવારે સાંજે ગૌરીબેન નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગૌરીબેને ગૃહ ક્લેશથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.