14, જુન 2025
વડોદરા |
1485 |
વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) ખાતે છેલ્લા ઘણા સમયથી ટેક્સની ભરપાઈ ન કરનારા વાહનો ખૂબ જ જર્જરિત સ્થિતિમાં પડ્યા છે. આ વાહનો RTO કમ્પાઉન્ડમાં જગ્યા તો રોકે છે, પરંતુ સરકારનો ટેક્સ છેલ્લા ૨૦ વર્ષથી ભર્યો નથી. આવા ૨૪ જેટલા મોટા વાહનોની હરાજી અંગેની અપસેટ વેલ્યુ જાહેર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની હરાજી થશે. આ વાહનોમાં વર્ષ ૨૦૦૧ થી લઈ વર્ષ ૨૦૧૬ સુધીના વાહનોનો સમાવેશ થાય છે.
RTO દ્વારા કરાયેલી કાર્યવાહી
વડોદરા RTO વિભાગમાં છેલ્લા ૨૫ વર્ષથી જૂના એવા વાહનો છે, જેમણે ટેક્સની ભરપાઈ કરી નથી. આવા વાહનો સામે RTO વિભાગ દ્વારા સમયસર ટેક્સ ન ભરનારા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ દિન સુધી ટેક્સ ન ભરાતા, સંબંધિત વિભાગ દ્વારા મિલકત પર બોજો દાખલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આવા વાહન માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે.
હરાજીનો હેતુ
આ એવા વાહનો છે કે જેઓનો RTO વિભાગે ટેક્સ ભરપાઈ ન થવાને કારણે જપ્ત કર્યા છે. વર્ષો સુધી વાહન માલિકો આ ટેક્સની ભરપાઈ કરતા નથી, ત્યારે આ વાહનો એક તો RTO પરિસરમાં વર્ષોથી જગ્યા રોકી રહ્યા છે, અને સાથે સરકારના ટેક્સના પૈસા પણ આવતા નથી. જેથી તેઓ સામે કાર્યવાહીના ભાગ રૂપે હરાજી કરી તેના ટેક્સની રકમ વસૂલવામાં આવશે. ત્યારબાદ પણ જો આ વાહનના ટેક્સની રકમ વધુ હશે, તો એવા માલિકોની મિલકત પર બોજો દાખલ કરવામાં આવશે.
ટેન્ડર પ્રક્રિયા અને ફાયદા
વડોદરા RTO વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં વર્ષ ૨૦૦૧ થી લઈ વર્ષ ૨૦૧૬ સુધીના ૨૪ જેટલા વાહનોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અપસેટ પ્રાઈઝ ₹૪૦,૦૦૦ થી લઈ ₹૨,૧૫,૦૦૦ સુધી રાખવામાં આવી છે, જેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં જો આ વાહનોની જાહેર હરાજી થઈ જશે તો RTO પરિસરમાં ખુલ્લી જગ્યા થશે અને સરકારના ટેક્સના નાણા પરત મળશે, તો સરકારને પણ બાકી નાણાની રકમ મળે તો બોજો ઓછો થઈ શકે છે.