04, જુન 2025
2079 |
ગાંધીનગર, ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી (અ.જા.) વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટે આગામી ૧૯ જૂનના રોજ પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સી. આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ૪૦ મહાનુભાવોનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી (અ.જા.) વિધાનસભાની બેઠક માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી તા. ૧૯મી જૂનના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આ પેટા ચૂંટણીને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સ્ટારપ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા આ બન્ને બેઠકો પર પ્રચાર માટે કુલ ૪૦ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, તો વિસાવદર બેઠક પર કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે. કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે છે. જ્યારે વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ટક્કર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સાથે છે. આ બન્ને બેઠકો પર ૧૯ મી જૂનના રોજ મતદાન હાથ ધરાશે અને ૨૩ મી જૂનના મતગણતરી હાથ ધરવામાં આવશે.