આણંદ : તાજેતરમાં ખંભાત તાલુકાના છતરડી અને પોપટપુરા ગામમાં મનરેગા યોજના અંતર્ગત કૌભાંડ થયું હતું. જાેતજાેતામાં ખંભાતના નગરા ખાતે લાખોનું મનરેગા અંતર્ગત કૌભાંડ તેમજ શૌચાલય કૌભાંડ થતા ં ખળભળાટ મચી ગયો છે. નગરા ખાતે મનરેગા યોજના અંતર્ગત પીએચસી સેન્ટરના મેદાનમાં જરૂરિયાતમંદ મજૂરિયાત વર્ગ મારફતે નહીં, પરંતુ વાહન મારફતે ભ્રષ્ટ કામ કરી કૌભાંડ કરતાં ગામના જાગૃત નાગરિકે અને પંચાયતના જાગૃત સભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત શૌચાલયો પણ સુખી સંપન્ન લોકોને જાણ બહાર એક કુટુંબના બે-ત્રણ સભ્યોના નામે ફાળવી દઈ લાખોના રૂપિયાનો કૌભાંડ આચરતા ચકચાર મચી જવા પામી છે.  

આ અંગે ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશભાઈ જાેશીએ જણાવ્યું હતું કે, મને મળેલ માહિતીના આધારે તપાસ કરતાં નગરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના તેમજ મનરેગા યોજના અંતર્ગત માટી કામ તેમજ શૌચાલયના કાર્યમાં ભારે ભ્રષ્ટાચાર કરી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ યોજનામાં પછાત વર્ગના જરૂરિયાતમંદ મજૂરવર્ગના લોકોને રોજગાર કે કામ ન આપી તેઓની સાથે અન્યાય કર્યો છે. બીજી બાજુ સુખી સમૃદ્ધ નોકરિયાત વર્ગના યુવાનો, શ્રીમંતો, મૃતક વ્યક્તિઓ મજૂરી કરતા હોવાનું બતાવી, હાજરીપત્રકમાં એક જ વ્યક્તિઓ બધાની સહીઓ કરી આધારકાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી મનરેગા યોજના જમા થયેલા નાણાં ઉપાડી લીધા હોવાનું જણાઈ આવે છે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યાં છે, તેઓની પણ હાજરી બતાવી છે.

મજૂરી કરવા અમે? ના, ક્યારેય ગયાં નથી!

શૌચાલય બનાવવા માટે અમારાં છોકરાનું આધારકાર્ડ લઈ ગયાં હતાં. શૌચાલય તો અમને ફાળવાયાં નથી. અમને કોઈ જરૂર પણ નથી. અમારે કોઈ મજૂરી કરવાની જરૂર નથી અને હું કે મારો છોકરો, પરિવાર પૈકી કોઈપણ મજૂરી કરવા ગયા નથી. અમે સુખી સમૃદ્ધ છીએ. અમારાં ફળીયાના દસથી બાર લોકો જેઓ ક્યારેય મજૂરીએ જ નથી ગયાં તેઓને અંધારામાં રાખી કે જાણ કર્યા વિના આધારકાર્ડનો દુરુપયોગ કરી ખોટા જાેબકાર્ડ બનાવી આ લોકોએ મનરેગા કૌભાંડ કર્યું છે. બેંક ખાતાનો પણ દુરુપયોગ કર્યો છે. ખરેખર આ યોજના અંતર્ગત ગરીબ વર્ગને શૌચાલય તેમજ મજૂરી પેટે કામ-નાણાં મળવા જાેઈએ. • સુરેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિવાસ, નગરા

મજૂરીયાત વર્ગના લોકોને કામ ફાળવાયું જ નથી!

અમારાં ફળિયાની સામે જ મનરેગા અંતર્ગતના કામો ટ્રેકટર દ્વારા કરાવવામાં આવેલ છે. અમારાં પછાત સમાજના લોકો જેઓને મજૂરીની ખાસ જરૂરિયાત હોઈ તેમ છતાંય કોઈ કામ ફળવાયેલ નથી. એની જ જગ્યાએ ગામના સુખી સમૃદ્ધ લોકો જેઓએ કોઈ દિવસ મજૂરી કરી જ નથી તેવા લોકોના જાેબ કાર્ડ અને મજૂરી પેટે નાણાં ચૂકવી દીધા છે. • શિલ્પાબેન વણકર, મહિલા, વણકરવાસ નગરા

કૌભાંડમાં સંડોવાયેલાંઓ સામે પોલીસ અને પ્રશાસન દ્વારા તપાસ થવી જાેઇઅ

સરપંચ અને તેમના મળતિયાઓએ આયોજનબદ્ધ કૌભાંડ આચર્યું છે. ગામના રમણભાઈ ઈશ્વરભાઈ જાદવ જેઓ ૨૫ મે, ૨૦૧૮ના રોજ મૃત્યુ પામ્યાં છે. તેમ છતાંય તેમનાં નામે હાજરી બતાવી છે. આ ઉપરાંત સુખી સમૃદ્ધ લોકોના એક જ પરિવારના બે-ત્રણના સભ્યોના નામે શૌચાલય ફાળવી નાણાં ચાઉં કરી ગયાં છે. રેકર્ડ પર બક્ષીપંચમાં આવતાં લોકોની જાતિને અનુસૂચિત જાતિ/જનજાતિ બતાવી સરકારને પણ સીધો ઊલ્લંુ બનાવવાનો વેંતરો રચ્યો છે. પોલીસ અને પ્રશાસન દ્વારા તટસ્થ તપાસ કરી કૌભાંડ આચરવામાં સંડોવાયેલ તમામ કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવા જાેઈએ. • મંગળભાઇ સોલંકી, સભ્ય, નગરા ગ્રામ પંચાયત

એક જ વ્યક્તિએ હાજરીપત્રકમાં બધાની સહીઓ કરી!

એક બાજુ સાચા મજૂરોને કામ કે રોજગારી તો આપતા નથી. બીજી બાજુ રેકર્ડ પર હાજરીપત્રકમાં ઉલ્લેખ કરાયેલાં નામોની સામે એક જ વ્યક્તિ દ્વારા સહીઓ કરી ગેરરીતિ આચરી છે. રેકર્ડ સાથે ચેડા થયા હોવાથી જાગૃતજનોએ એફએસએલ કરાવી તેઓની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

તપાસ ચાલુ છે કસૂરવાર પર કાયદેસરની કાર્યવાહી કરીશું

હાલ આ બાબતે અરજી મળેલી છે.જેની તપાસ હાલ ચાલુ છે. તપાસમાં જે કોઈ કસૂરવાર ઠરશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરાશે. • ઘનશ્યામભાઈ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, ખંભાત