ગુજરાત રાજ્યનું દેવું રૂા. ૩,૨૦,૮૧૨ કરોડનું હોવાનો સરકારે સ્વિકાર કર્યો
05, માર્ચ 2023 594   |  

ગાંધીનગર ગુજરાત રાજયનું કુલ જાહેર બાકી દેવું રૂ. ૩,૨૦,૮૧૨ કરોડ છે અને છેલ્લા બે વર્ષમાં તેના વ્યાજ પેટે રૂ. ૪૫,૦૮૬ કરોડ અને મુદ્દલ પેટે રૂ. ૪૨,૩૭૬ કરોડ મળીને કુલ રૂ. ૮૭,૪૬૨ કરોડની રકમ ચૂકવાઈ હોવાનું રાજ્યના નાણાં મંત્રીએ વિધાનસભામાં લેખિત માહિતી આપીને જણાવ્યુ હતું. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસનાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ કર્યો હતો કે, ગત તા. ૩૧-૦૧-૨૦૨૩ની સ્થિતિએ રાજયનું કુલ દેવું કેટલું છે. ઉક્ત સ્થિતિએ છેલ્લા બે નાણાકીય વર્ષમાં વ્યાજ પેટે અને મુદ્દલની પરત ચુકવણી પેટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્યના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ લેખિતમાં જણાવ્યુ હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સુધારેલા અંદાજ મુજબ રાજયનું કુલ બાકી જાહેર દેવું રૂ. ૩,૨૦,૮૧૨ કરોડનું છે. જેના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સુધારેલા અંદાજ મુજબ રૂ. ૨૨,૦૨૩ કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવી છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સુધારેલા અંદાજ મુજબ વ્યાજ પેટે રૂ. ૨૩,૦૬૩ કરોડ મળીને બે વર્ષમાં રૂ. ૪૫,૦૮૬ કરોડની રકમ વ્યાજ પેટે ચૂકવી છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૧૭,૯૨૦ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સુધારેલા અંદાજ મુજબ રૂ. ૨૪,૪૫૪ કરોડ મળીને બે વર્ષમાં કુલ રૂ. ૪૨,૩૭૪ કરોડની રકમ મુદ્દલ પેટે ચુક્વવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution