ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,અનેક વિસ્તારોમાં મેઘમહેર થશે
18, જુન 2025 1584   |  

અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે,ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત પર રચાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૨૩ જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે. તેથી, ૨૩ જૂન સુધી અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં સિસ્ટમે ચેતવણી જારી કરી છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૩ જૂન સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જાેડિયા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૩ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે તા. ૧૮ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૧૮ ટકા, કચ્છ વિસ્તારમાં ૧૭.૫૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯.૭૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫.૪૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution