/
‘અખંડ ભારતના શિલ્પી’ના પ્રાંગણમાં જ ‘ખંડિત ભારત’નો નકશો!

વડોદરા, તા.૨

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વવિખ્યાત એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેસર શો અને ત્યાં ડિસ્પ્લેમાં લગાવેલ ભારત દેશનો નકશો ખંડિત હોવાની ચોંકાવનારી અને શરમજનક બીના બહાર આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટની મુલાકાતે રોજેરોજ હજારોની સંખ્યામાં દેશ અને વિદેશથી લોકો આવી રહ્યા છે. એમને ભારતના નકશાની અધૂરી જાણકારી આપવામાં આવે છે જેમાં આંદામાન અને નિકોબાર આઈલેન્ડના સમૂહ અને લક્ષદ્વીપને ભારતનો ભાગ બતાવાતો નહીં હોવાનું સ્પષ્ટપણે જાેઈ શકાય છે.

સરદાર સરોવર અને કેવડિયા વચ્ચે ઊભી કરાયેલી અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પ્રસ્થાપતિ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રસ લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રોજેકટ ઊભા કરી ટુરિઝમને વિકસાવવાના પ્રયત્નો થયા હતા જેમાં થીમ બેઝ ગાર્ડન, ઈન્ફોટેઈન્મેન્ટ, ઈકો ટુરિઝમ સેન્ટર, એડવેન્ચર સ્પોટ, નાઈટ ટુરિઝમ, શોપિંગની સુવિધા, ખાણીપીણીની સુવિધાન, ટેન્ટસીટી ઉપરાંત લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે માહિતી માટે મુકાયેલા ભારતના નકશામાંથી આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપ કે જે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને અખંડ ભારતનો ભાગ છે એને દેશના નકશામાંથી ગાયબ કરી દેવાયો છે. ખરેખર તો આજની પેઢી અને વિદેશથી આવતા સહેલાણીઓ પ્રવાસીઓને ભારત દેશ અને જુદા જુદા પ્રદેશોની સાચી માહિતી આપવાને બદલે અધૂરી માહિતી આ સ્થળે આપવામાં આવે છે.

માત્ર પ્રદર્શનમાં મુકાયેલા નકશામાંથી આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ગાયબમાં હોય તો સમજી શકાય, પરંતુ મુલાકાતીઓમાં પણ ભારે લોકપ્રિય એવા લેસર શોમાંથી પણ ભારતના આ બે પ્રદેશો ગાયબ દેખાય છે ત્યારે આટલા લાંબા સમયથી દેશનો ખોટો નકશો દર્શાવાથી લાખો લોકોને ખોટી અને અધૂરી માહિતી પહોંચી ચૂકી છે એના માટે જવાબદાર કોણ? એ સાવલ ઊભો થયો છે.

ભારત દેશના અભિન્ન અંગ એવા આંદામાન અને નિકોબાર સમૂહની વાત કરીએ તો આંદામાન ર૮ ટાપુઓનો સમૂહ છે અને નિકોબાર રર મુખ્ય ટાપુ ધરાવે છે. અંગ્રેજાે દ્વારા ભારત છોડો ચળવળ અને આઝાદી સંગ્રામના કેટલાક નેતાઓને કાળાપાણીની સજારૂપે ત્યાંની સેલ્યુલર જેલમાં સજારૂપે મોકલાતા હતા. હાલમાં ચાર લાખ ઉપરાંતની વસતી ધરાવતા આંદામાન અને નિકોબારથી ચૂંટાયેલા સાંસદ પણ દિલ્હીમાં સંસદસત્ર દરમિયાન હાજરી આપે છે. એવી જ રીતે લક્ષદ્વીપ પણ ભારતના જ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને હાલમાં જ પ્રફુલ પટેલને આ કેન્દ્રશાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે. ૩૬ ટાપુઓના બનેલા આ સમૂહનો વિસ્તાર ૩ર સ્કે. ફૂટમાં ફેલાયેલો છે એટલે નાનો છે પરંતુ ભારતનો એક ભાગ તો છે જ, પાઠયપુસ્તકો સહિત અન્ય સરકારી વિભાગોના નકશામાં બંને પ્રદેશોને ભારતનો અંગ જણાવાય છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેથી કયા કારણોસર બંને પ્રદેશોને ગાયબ કરાયા છે એવો સવાલ ઉપસ્થિત થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે રોજના હજારો મુલાકાતીઓ દેશ વિદેશથી આવે છે. સરકારના કેન્દ્રિયમંત્રીઓથી માંડી બ્યુક્રેટસ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ આ સામે મુલાકાત લે છે અને કોન્ફરન્સ સહિત જુદા જુદા કાર્યક્રમો પણ યોજાય છે ત્યારે અત્યાર સુધી ભારતના ખંડિત નકશા અંગે કેમ કોઈન ધ્યાન નહીં ગયું હોય એવો પ્રશ્ન પણ ઊભો થયો છે.

દિગ્ગજ નેતાઓના ધ્યાન પર પણ નથી આવ્યું

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં પ્રદેશ ભાજપાની કારોબારીની ત્રિદિવસીય બેઠક ચાલી રહી છે જેમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓથી માંડી ટેકનોક્રેટ કહેવાતા નેતાઓએ પણ હાજરી આપી હતી જે પૈકી કોઈના પણ ધ્યાન ઉપર ભારત દેશના ખંડિત નકશા તરફ ગયું નથી. ત્યારે રોજેરોજ મુલાકાતે આવતા હજારો સહેલાણીઓને અધૂરી અને ખોટી માહિતી પહોંચાડવા બદલ જવાબદાર કોણ એવો સવાલ ઉપસ્થિત થયો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution