ભરૂચ, ભાડભૂત બેરેજ યોજનામાં નદી કિનારાની જમીન સંપાદન કરવાની કવાયત હાથ ધરાતા જ કિસાનોમાં વળતરના મામલે વિરોધનો સૂર ઉઠયો છે. જમીનના વળતરમાં અસમાનતાઓ બહાર આવતા કિસાનોએ આજરોજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાને લેખિત અને મૌખિક રજુઆત કરી એક સમાન વળતરની માંગ ઉઠાવી હતી. 

જમીન વળતરની અસમાનતાના મુદ્દે આજરોજ વડવા, દશાન, વેરવાડા તથા કુકરવાડાના કિસાનો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બેંક સ્થિત ઓફિસે દોડી આવ્યા હતા. કિસાનોએ ભાડભૂત બેરેજ યોજનાને ભરૂચ જિલ્લાના હિતમાં હોવાનું જણાવી આ યોજના માટે નદી કિનારાની જમીન સંપાદનમાં ચૂકવવાના વળતરની અસમાનતા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સંપાદિત જમીનોનું વળતર જંત્રી પ્રમાણે ચૂકવવાના છે. જેમાં નદી કિનારાના ગામોમાં જંત્રીના ભાવોમાં ભારે અસમાનતા છે. એક જ પટ્ટી પર આવેલા જંત્રી ચો.મી.ના રૂપિયા ૬૮, દશાનના રૂપિયા ૬૩ અને વેરવાડાના પણ રૂપિયા ૬૩ છે. જ્યારે બાજુમાં જ આવેલા કુકરવાડા ગામની જંત્ર રૂપિયા ૫૨૦ છે. ભરૂચ શહેરથી દૂરના અંતરે આવેલ કાસવા ગામની જંત્રીના પણ ૫૧૩ છે. આમ શહેરની નજીક આવેલ નદી કિનારાના ગામોની ફળદ્રુપ જમીનોની જંત્રી ઓછી છે. જેના કારેણ વડવા, દશાન અને વેરવાડાના કિસાનોને ઓછું વળતર મળશે. જ્યારે આ ગામોની બાજુમાં આવેલ કુકરવાડાના કિસાનોને વધુ વળતર મળશે અટલું જ નહીં શહેરની સીમાથી દૂરના અંતરે આવેલ કાસવા ગામના કિસાનોને પણ વધુ વળતર મળશે. જેમાં વડવા, દશાન અને વેરવાડાના કિસાનો સાથે અન્યાય થશે. આસપાસના એક જ પટ્ટી પરના ગામોની જંત્રીની રકમમાં ભારે તફાવત એ કિસાનો માટે અન્યાયકર્તા અને કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધમાં છે. તેવો દાવો કરાયો છે.

આ ઉપરાંત ભાડભૂત બેરેજ યોજનાની ટેકનીકલ માહિતી પણ બહાર પાડવામાં આવી નથી. જેને લઈ નદી કિનારાના ગામોના કિસાનો મૂંજવણમાં હોવાનો આક્ષેપ પણ કિસાનોએ કર્યો છે. સાથે જાે કિસાનોએ યોગ્ય વળતર નહીં ચૂકવાય તો તેઓ કોઇપણ ભોગે તેમની જમીન આપશે નહીં તેવો હુંકાર પણ તેમણે કર્યો હતો.

જમીન સંપાદનના વળતરની અસમાનતા બાબતે ખેડૂતોની રજુઆત બાબતે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત અને મૌખિક રજુઆત કરી ખેડુતોને સમાન ધોરણે વળતર ચૂકવાય તે માટે માંગ કરી હોવાનું કહ્યું હતું. સાથે તેમણે ખેડૂતોને ન્યાય મળે તે માટે પ્રયત્નશીલ હોવાનો દાવો પણ કર્યો હતો.